નવી દિલ્હીઃ અમેરિકામા પ્રવેશીને ગેરકાયદે રહેતા 104 ભારતીયને દેશનિકાલ કરીને ભારત પરત મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય વિદેશ પ્રધાન એસ. જયશંકરે સંસદમાં ખાતરી આપી છે કે અમેરિકાથી દેશનિકાલ કરાયેલા 104 ભારતીયને છેતરનારા ટ્રાવેલ એજન્ટો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, છતાં પણ આપણો ભૂતકાળનો અનુભવ કહે છે કે આવા કિસ્સામાં ટ્રાવેલ એજન્ટ છૂટી જશે કારણકે મોટા ભાગના પીડિતો એફઆઇઆર નોંધાવામાં ખચકાટ અનુભવે છે.
આપણે વધુ દૂર જવાની જરૂર નથી. 2023નો જ દાખલો લઇએ. ડિસેમ્બર 2023માં પણ આવો જ બનાવ બન્યો હતો. ભારતથી એક વિમાને નિકારાગુઆ માટે ઉડાન ભરી હતી, જેમાં 300થી વધુ ભારતીયો હતા .જેમાંના 200 તો પંજાબીઓ જ હતા. તેમને ગેરકાયદેસર રીતે અમેરિકા લઈ જવામાં આવી રહ્યા હતા. માનવ તસ્કરીની શંકાના આધારે આ ફ્લાઈટને ફ્રાન્સમાં ચાર દિવસ માટે રોકી રાખવામાં આવી હતી અને કોઈ કારણ આપવામાં આવ્યું ન હતું ત્યારબાદ આ વિમાનને ભારત પરત મોકલવામાં આવ્યું હતું.
આ કેસમાં પંજાબ પોલીસ અત્યાર સુધી કાંઈ કરી શકી નથી, કારણ કે આ 200 પંજાબીમાંથી ફક્ત બે જ જણ પંજાબ સરકાર દ્વારા રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) સમક્ષ નિવેદન નોંધાવવા હાજર થયા હતા. SITના એક સભ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમે 150 લોકોના સંપર્ક કર્યો હતો,પરંતુ ફક્ત બે જણા ફરિયાદ કરવા માટે આગળ આવ્યા હતા. પીડિતો તો સુધી પહોંચવા માટે જિલ્લા સ્તરે ટીમો બનાવવામાં આવી હતી, પરંતુ મોટાભાગના લોકોએ ફરિયાદ નોંધાવાનો ઇનકાર કર્યો હતો. આવી સ્થિતિમાં સરકાર પણ કશું કરી શકે તેમ નથી. પીડિતો જ ફરિયાદ નોંધાવવા આગળ ના આવે તો દોષિત એજન્ટો સામે કાર્યવાહી થઈ શકે નહીં.
પીડિતોને નોકરીની લાલચ આપીને અને યુએસમાં પહોંચાડવાના વચનોના આધારે તેમની પાસેથી ૭૦ લાખથી એક કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા હોય છે, તેથી તેમને એવો ડર હોય છે કે જો તેઓ ટ્રાવેલ એજન્ટો સામે ફરિયાદ કરશે તો તેમની પાસેથી મળનારું થોડું ઘણું વળતર પણ ગુમાવી દેશે. આ કારણે તેઓ ટ્રાવેલ એજન્ટો સામે ફરિયાદ કરવાનો ઇનકાર કરે છે અને સરકાર કશું કરી શકતી નથી.
આ પણ વાંચો…એક કરોડ એજન્ટને આપ્યા અને આટલી યાતનાઓ વેઠીઃ ડ્રીમ અમેરિકા ક્રેશ અને હવે ભવિષ્યની ચિંતા
આ પશ્ચાદ ભૂમિમાં અમેરિકાથી દેશનિકાલ ભારત પરત ફરેલા ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના ટ્રાવેલ એજન્ટો સામે સરકાર કેટલા પગલાં ભરી શકે છે એ જોવું રહ્યું.