
નવી દિલ્હીઃ ગુજરાત સરકારના વિકાસના દાવા વચ્ચે લોકસભામાં રજૂ થયેલા આંકડા કઈંક અલગ જ કહી રહ્યા છે. આજે લોકસભામાં રજૂ થયેલા આંકડાએ રાજ્યમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાની પોલ ખોલી હતી. કેન્દ્ર સરકારના આંકડા મુજબ ગુજરાત રાજ્યમાં 105 સરકારી શાળામાં ટૉયલેટની પણ સુવિધા નથી જ્યારે 12 શાળામાં પીવાનું પાણી પણ મળતું નથી. આ આંકડા રાજ્ય સરકાર તરફથી કરવામાં આવતા દાવા પર પ્રશ્નો ઉભા કરે છે.
આ આંકડા 2023ના આંકડાઓથી તદ્દન વિપરીત છે. લોકસભામાં રજૂ થયેલી વિગતો પ્રમાણે ગુજરાતની 34,699 સરકારી શાળાઓમાંથી 33,219 શાળાઓમાં છોકરાઓના ટૉયલેટ અને 33,516 શાળાઓમાં છોકરીઓ માટે ટૉયલેટ છે. આનો અર્થ એ થયો કે 1,480 શાળામાં છોકરાઓ માટે ટૉયલેટનો અભાવ હતો, જ્યારે 1,183 શાળામાં છોકરીઓ માટે ટૉયલેટ નથી, જે સતત સ્વચ્છતાના પડકારોને દર્શાવે છે.
આ પણ વાંચો: ‘એક દેશ, એક ચૂંટણી’ને વિપક્ષ રોકી શકે, જાણો લોકસભા-રાજ્યસભાનું ગણિત?
લોકસભાના સાંસદ બલવંત વાનખેડેના પ્રશ્નના જવાબમાં જળ શક્તિ મંત્રાલયના ખુલાસાઓએ ચિંતાઓને વધુ ઘેરી બનાવી છે. 34,699 શાળાઓમાંથી 12માં હજુ પણ પીવાના પાણીની વ્યવસ્થા નથી-જે મૂળભૂત જરૂરિયાત છે. જ્યારે 34,687 શાળાઓમાં પીવાનું પાણી અને 34,594 શાળાઓમાં ટૉયલેટની સુવિધા ઉપલબ્ધ છે. એટલે કે 12 શાળામાં પીવાનું પાણી અને 105 શાળાઓમાં ટૉયલેટની સુવિધા નથી, જે રાજ્યના શૈક્ષણિક માળખા માટે નોંધપાત્ર પડકાર છે.
સ્વચ્છ ભારતઃ સ્વચ્છ વિદ્યાલય પહેલ હેઠળ પ્રયાસો છતાં આ મુશ્કેલીજનક સ્થિતિ યથાવત્ છે. વર્ષ 2023માં આ કાર્યક્રમ હેઠળ કુલ 1,521 સરકારી શાળાઓમાં ટૉયલેટનું નિર્માણ અથવા પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. તેમ છતાં, સતત ખામીઓ સૂચવે છે કે આવા પગલાંથી માળખાગત ખામીઓને સંપૂર્ણ રીતે દૂર કરવામાં આવી નથી.
આ પણ વાંચો: “નેહરુને પોતાનું બંધારણ હતું, ઇન્દિરા ગાંધીએ કર્યું પાપ” લોકસભામાં PM મોદીએ કોંગ્રેસને લીધી આડેહાથ…
લોકસભામાં જળ સંસાધન મંત્રાલયના 2023ના જવાબમાં સ્વચ્છતા સુવિધાઓનું નિરાશાજનક ચિત્ર દોરવામાં આવ્યું હતું. 34,699 સરકારી શાળાઓમાંથી 1,480 શાળાઓમાં છોકરાઓના ટૉયલેટ નહોતા અને 1,183 શાળાઓમાં છોકરીઓ માટે ટૉયલેટ નહોતા. આ આંકડા સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ પહોંચાડવામાં પ્રણાલીગત ભૂલો દર્શાવે છે, તેમ છતાં રાજ્ય તેની વિકાસલક્ષી સિદ્ધિઓ પર સતત ભાર મૂકે છે.
ચિંતામાં વધુ વધારો કરતા 2023માં સરકાર તરફથી કરવામાં આવેલા ખુલાસામાં બહાર આવ્યું છે કે 29,754 સરકારી શાળાઓમાંથી માત્ર 29,713 શાળાઓને નળનું પાણી પૂરું પાડવામાં આવ્યું હતું, 41 શાળાને આ પ્રાથમિક સુવિધા વિના છોડી દેવામાં આવી હતી.
જળ શક્તિ મંત્રાલયે લોકસભામાં ભારપૂર્વક જણાવ્યું હતું કે શિક્ષણ મંત્રાલય હેઠળનો શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ સમગ્ર શિક્ષા યોજનાનો અમલ કરે છે. કેન્દ્ર સરકારના કાર્યક્રમનો ઉદ્દેશ સરકારી શાળાઓમાં પીવાના પાણી અને સ્વચ્છતા સુવિધાઓ સહિત માળખાગત સુવિધાઓને મજબૂત કરવાનો છે.