Bhopal મા હોટલના ચોથા માળેથી પડી જતાં ગુજરાતના 18 વર્ષના વિદ્યાર્થીનું કરૂણ મોત…

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમા(Bhopal)ચેતક બ્રિજ સ્થિત હોટલના ચોથા માળેથી પડી જતાં ગુજરાતના 18 વર્ષના વિદ્યાર્થીનું કરૂણ મોત થયું છે. આ મૃતક ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ગાંધીનગરના વિદ્યાર્થીઓ સાથે ભોપાલમાં રમત ગમત સ્પર્ધામાં ભાગ લેવા આવ્યો હતો. તે મોડી રાત્રે હોટલના રૂમમાં મિત્રો સાથે હાજર હતો. તેનું બાલ્કનીમાંથી પડી જતાં મૃત્યુ થયું હતું. મળતી માહિતી મુજબ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.પોલીસને હજુ સુધી કોઈ સુસાઈડ નોટ મળી નથી. જેના કારણે મામલો શંકાસ્પદ લાગી રહ્યો છે. યુવકે આત્મહત્યા કરી છે અથવા તો કોઈ અકસ્માતનો શિકાર બન્યો છે તેની તપાસ ચાલી રહી છે.
બાલ્કનીમાંથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું
ગોવિંદપુરા પોલીસના જણાવ્યા અનુસાર 18 વર્ષીય તુષાર માલી ગાંધીનગર સ્થિત ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી (GNLU)માં પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હતો. તે મૂળ રાજસ્થાનનો છે. તે ભોપાલના NLIU ખાતે ચાલી રહેલી રમતગમત સ્પર્ધામાં ભાગ લેવા માટે યુનિવર્સિટીના અન્ય સાથીદારો સાથે બુધવારે ભોપાલ આવ્યો હતો. અકસ્માત પહેલા હોટલના રૂમમાં પાર્ટી ચાલી રહી હતી. જેની બાદ બાલ્કનીમાંથી પડી જતાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસે મૃતદેહનું AIIMS હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. યુવકના મોતનું કારણ જાણવા હોટલ અને આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ જોવામાં આવી રહ્યા છે.
પોલીસે મિત્રોની પૂછપરછ કરી
તુષાર પ્રથમ વર્ષનો વિદ્યાર્થી હોવાનું કહેવાય છે. પોલીસ તુષાર સાથે આવેલા મિત્રોની પૂછપરછ કરી રહી છે. આ ઘટના અંગે ગોવિંદપુરા પોલીસ વિદ્યાર્થી કેવી રીતે પડ્યો તેની તપાસ કરી રહી છે. પીએમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ આ મુદ્દે સ્પષ્ટતા થઇ શકે તેમ છે.