
નવી દિલ્હી : દેશમાં આજથી નવરાત્રીના પ્રથમ દિવસથી જીએસટીના સુધારા અમલમાં આવ્યા છે. જેના લીધે જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવમાં ઘટાડો નોંધાયો છે. જેમાં કરિયાણાની વસ્તુઓ અને ડેરી ઉત્પાદનોથી લઈને ટીવી, એસી, અને કાર અને બાઇક સહિતની વસ્તુઓના ભાવમાં ઘટાડા સાથે ફેરફાર નોંધાશે.
જયારે કેટલીક લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર કરનો બોજ વધવાનો છે. આજથી અમલમાં આવનાર જીએસટીમાં 5 ટકા અને 18 ટકા બે દર જ હશે. જ્યારે લક્ઝરી અને હાનિકારક વસ્તુઓ પર 40 ટકાના અલગ દરે કર લાદવામાં આવશે.
ખાદ્ય પદાર્થો પર 5 ટકા ના દરે કર લાગશે
જીએસટીમાં સુધારાના પગલે મધ્યમ વર્ગના પરિવારો માટે સીધી રાહત મળવાની છે. જેમાં અનાજ, દવાઓ અને રોજિંદા જીવનજરૂરી ચીજવસ્તુઓ જેવી કે ખાદ્ય પદાર્થો પર 5 ટકા ના દરે કર લાગશે. તેમજ 12 ટકા કર દૂર કરવાથી ઘણી મધ્યમ શ્રેણીની વસ્તુઓ સસ્તી થઈ છે. જેનાથી મધ્યમ વર્ગના પરિવારોને સીધી રાહત મળશે. નાણામંત્રી મતે આ ઘટાડાથી દેશના નાગરિકોને રૂપિયા 2 લાખ કરોડની બચત થશે.

ખાદ્ય ચીજ વસ્તુઓ આ પીણાંના ભાવ ઘટશે
આ ઉપરાંત દૂધ આધારિત પીણાં, બિસ્કિટ, માખણ, અનાજ, સૂકા ફળો, ફળોના રસ, ઘી, આઈસ્ક્રીમ, જામ, કેચઅપ, નાસ્તો, ચીઝ, પેસ્ટ્રી, સોસ જેવી રોજિંદા ખાદ્ય પદાર્થો પર પહેલા કરતા ઓછો જીએસટી વસૂલવામાં આવશે. આનાથી સામાન્ય માણસના રસોડાના ખર્ચમાં ઘટાડો થશે. તેમજ શેમ્પૂ, સાબુ, હેર ઓઇલ, શેવિંગ ક્રીમ, ટેલ્કમ પાવડર અને ફેસ ક્રીમ જેવી દૈનિક ઉપયોગની વસ્તુઓ કર ઘટાડાને કારણે સસ્તી થશે.

ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવમાં ઘટાડો
જયારે રોજબરોજના ઉપયોગમાં લેવાતા ઈલેક્ટ્રોનિક ઉપકરણોના ભાવમાં પણ ઘટાડો થશે. જેમાં એસી, વોશિંગ મશીન, ટીવી અને ડીશવોશર જેવી ઈલેક્ટ્રોનિક વસ્તુઓ પણ ઓછા ભાવે મળશે. નવા જીએસટી દરોને કારણે આ ઉત્પાદનો પરનો કર ઘટાડવામાં આવ્યો છે.

દવાઓ અને તબીબી ઉપકરણો પર કર મુક્તિ
સરકારે ઘણી આવશ્યક દવાઓ અને તબીબી ઉપકરણો પરનો જીએસટી દર ઘટાડીને માત્ર 5 ટકા કર્યો છે. ફાર્માસ્યુટિકલ કંપનીઓને તેમના મહત્તમ છૂટક કિંમતોમાં સુધારો કરવા અને ગ્રાહકોને સંપૂર્ણ લાભ આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત હેર કટિંગ સલૂન, જીમ, ફિટનેસ સેન્ટર અને યોગ સેવાઓ પર પણ હવે ઓછો જીએસટી વસૂલવામાં આવશે. આનાથી આ સેવાઓનો ઉપયોગ કરનારાઓ પરનો ભાર ઓછો થશે.
આ પણ વાંચો…ભાજપ દેશભરમાં સોમવારથી જીએસટી બચત ઉત્સવ અભિયાન શરુ કરશે