હે ભગવાન…કોઈ માતા-પિતાએ આવું દૃશ્ય ન જોવું પડે જેવું યુપીના મા-બાપે જોયું
મજૂર હોય કે માલેતુજાર ઘરે જાય અને પોતાના સંતાનોના હસતા ચહેરા જુએ એટલે આખા દિવસનો થાક, ખીજ, નિરાશા બધુ જ ભૂલી જાય, પરંતુ યુપીના મજૂર માતા-પિતા ખેતમજૂરી પૂરી કરી એક દિવસનું પેટીયું રડી જ્યારે ઘરે ગયા ત્યારે તેમણે એક ભયાનક દશ્ય જોયું જે તેમને એક દિવસ પણ ચેનથી જીવવા નહીં દે. યુપીના ઉન્નાવ જિલ્લામાં બનેલી આ ઘટના છે.
અહીં એક દંપત્તી ડાંગરના ખેતરમાં મજૂરી કામ માટે ગયું હતુ અને તેમના ચાર સંતાન ઘરે એકલા હતા. મજૂર દંપતી સાંજે ઘરે આવ્યું ત્યારે તેમના હોશ ઉડી ગયા. તેમના ચારેય સંતાનો એકબીજા પર પડ્યા હતા અને તેમના પર ટેબલ ફેન પડ્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. અહીંની બારસગવાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ઘટના અનુસાર ચારેય માસૂમના મોત ટેબલ ફેનમાંથી વીજશોક લાગવાથી થયા હતા.
લાલમણ ખેડા ગામમાં રહેતા ખેડૂત વિરેન્દ્ર પાસી તેની પત્ની સાથે ડાંગરની કાપણી કરવા ખેતરમાં ગયા હતા. ઘરમાં બાળકો મયંક (9), પુત્રી હિમાંશી (8), હિમાંશુ (6) અને માનશી (4) હતા. મોડી સાંજે જ્યારે દંપતી ખેતરમાંથી ઘરે પરત ફર્યું ત્યારે ચારેય એકબીજા પર આડા પડ્યા હતા અને ટેબલ પંખો તેમના પર પડ્યો હતો. ચારેય બાળકો મૃત્યુ પામ્યા હતા. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ઘટનાની તપાસ હાથ ધરી છે. પ્રથામિક દૃષ્ટિએ વીજશોકથી ઘટના ઘટી છે. વિશેષ તપાસ હાથ ધરાશે, પરંતુ માતા-પિતાએ એક સાથે ચારેય વ્હાલસોયાને ખોયા છે ત્યારે તેમની વેદનાનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.
ભારતમાં જ્યારે માતા-પિતા બન્ને કામ કરતા હોય ત્યારે બાળકની જવાબદારી અને સુરક્ષા મોટો પ્રશ્ર્ન બની જાય છે. મોટા શહેરોમાં રહેતા કે નાના ગામડામાં રહેતા કે ગમે તેવા નાના મોટા કામ કરતા માતા-પિતા માટે બાળકોની સાચવણીના કોઈ વિકલ્પો હોતા નથી. ઘોડિયાઘર કે ચાઈલ્ડ કેર સેન્ટર જેવી સુવિધાઓની દેશમાં ખૂબ જરૂર છે. આ ન હોવાથી ઘણી મહિલાઓ માતા બન્યા બાદ પોતાનું કરિયર છોડી દેવા મજબૂર થાય છે જોકે માંડ કરી પેટલું રળતા દંપતીઓ માટે આ વિકલ્પ પણ હોતો નથી.