ગ્રેજ્યુએટ પત્નીને નોકરી કરવાની ફરજ પાડી ન શકાય: કોર્ટ
નવી દિલ્હી: પત્ની ગ્રેજ્યુએટ હોવાના કારણસર તેનેે નોકરી કરવાની ફરજ પાડી ન શકાય અને છૂટાછેડા લીધેલા પતિ પાસે ભરણપોષણ મેળવવા માટે જ તે ઈરાદાપૂર્વક નોકરી નથી કરી રહી એવું ન માની લેવું જોઈએ, એમ દિલ્હી હાઈ કોર્ટે કહ્યું હતું.
પત્ની બીએસસીની ડિગ્રી ધરાવતી હોવાને કારણે તેને આપવામાં આવતી ભરણપોષણની વચગાળાની રકમ રૂ. ૨૫,૦૦૦થી ઘટાડીને રૂ. ૧૫,૦૦૦ કરવાની માગણી કરતી પતિ દ્વારા કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા કોર્ટે ઉપરોક્ત નિરીક્ષણ કર્યું હતું.
ન્યાયાધીશ સુરેશકુમાર કૈટના વડપણ હેઠળની ખંડપીઠે કહ્યું હતું કે પત્ની ગ્રેજ્યુએટ હોવાનું નકારી શકાય એમ નથી, પરંતુ અગાઉ તેણે ક્યારેય નોકરી નહોતી
કરી અને વચગાળાના ભરણપોષણ માટે ફેમિલી કોર્ટે આપેલા આદેશમાં દખલગીરી કરવાનું કોઈ કારણ નથી.
પત્ની ગ્રેજ્યુએટ હોવાને કારણે તેને નોકરી કરવાની ફરજ પાડી શકાશે એવું ધારી ન લેવાય. પતિ પાસે ભરણપોષણ મેળવવા પત્ની ઈરાદાપૂર્વક નોકરી ન કરતી હોવાનું પણ ધારી ન લેવાય, એમ ન્યાયાધીશ નીના બંસલ ક્રિષ્ણાનો પણ સમાવેશ કરતી ખંડપીઠે કહ્યું હતું.
ભરણપોષણની રકમ વધારવાની માગણી કરતી પત્નીએ કરેલી અરજીને કોર્ટે એમ કહીને નકારી કાઢી હતી કે આ માટે પત્નીએ કોઈ આધારભૂત કારણ નહોતું આપ્યું અને ફેમિલી કોર્ટે યોગ્ય રીતે જ ભરણપોષણની રકમ નક્કી કરી હતી.
જોકે, વચગાળાની ભરણપોષણની રકમ આપવામાં પતિ દ્વારા થયેલા વિલંબ બદલ પ્રતિદિન રૂ. ૧૦૦૦નો દંડ કરવાનું અને એ બદલ વાર્ષિક છ ટકાના લેખે પત્નીને વ્યાજ આપવાની માગણીને કોર્ટે નકારી કાઢી હતી.
કેસના ખર્ચની ચુકવણીમાં થયેલા વિલંબ બદલ પતિને પ્રતિદિન રૂ. ૫૫૦નો દંડ કરવાનું પણ કોર્ટે નકારી કાઢયું હતું. (એજન્સી)