ઘડી ડીટરજન્ટ કંપની RSPLને GPCBની નોટિસ:’30 દિવસ સુધી કંપની બંધ કરો!’
દેવભૂમિ દ્વારકા: દ્વારકાના કુરંગા પાસેની ઘડી RSPL કંપનીને પ્રદૂષણ અંગે ૩૦ દિવસમાં કંપની બંધ કરવા માટે પ્રદૂષણ કંટ્રોલ બોર્ડે (GPCB) નોટીસ ફટકારતા ચકચાર જાગી છે. દ્વારકા જિલ્લામાં કુરંગા પાસે આવેલી ઘડી ડીટરજન્ટ કંપની RSPL સામે ખેડૂત દ્વારા થયેલી ફરિયાદના અનુસંધાને હાઈકોર્ટ દ્વારા પ્રદૂષણ બોર્ડ સામે કડક પગલાંની કાર્યવાહી ન કરતાં ઠપકો આપ્યો હતો. અને છેવટે માંડ-માંડ ‘જાગેલા’ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વિવિધ કારણોને લઈને ૩૦ દિવસમાં કારણો પૂર્ણ ન થતાં કંપની બંધ કરવા ઓર્ડર આપ્યો છે. GPCBની આ બંધની નોટિસે ઘણી ચર્ચાઓ જગાવી હતી
આપને જણાવી દઈએ કે 2014 માં ઘડી કંપની દ્વારા લાઈટ સોડા એશનો પ્લાન શરૃ કરવામાં આવેલો હતો. જે માટે તા. 12-8-2014 ના પ્રદૂષણ બોર્ડ દ્વારા 3 FBC બોઈલર અને 450 TPS સાથે 50 મેગાવોટ પાવર વપરાશના યુનિટને પ્રદૂષણ નિયંત્રણ હેઠળ મંજુરી આપવામાં આવી હતી. પરંતુ કંપનીના પ્લોટ પાસે આવેલી ખેડૂત બાલુભા પબુભા કેરની જમીનમાં ખૂબ જ પ્રદૂષણ થતું હતું.
આ ખેડુના પાકને નુક્સાન થવાની સાથે સાથે કૂવામાં પણ દુષિત પાણી આવી જતું હતું. જેને લઈને આ ખેડૂતે પ્રથમ સ્થાનિક, જિલ્લા અને તે પછી હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતાં. ખેડૂતના આ પગલાની અસરને કારણે જ એક માસ પહેલા હાઈકોર્ટની ફટકારથી કંપનીમાં એક સાથે 10-11 ગાડીઓના કાફલા સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ના અધિકારીઓ પહોંચ્યા હતાં.
અધિકારીઓએ કંપનીનુ નિરીક્ષણ કરીને તેના ઉપરથી તા. 12-1-2024 ના આદેશ કરીને પ્રીવેન્શન એન્ડ કંટ્રોલ ઓફ પ્રોસ્યુશન એકટ હેઠળ ૩૦ દિવસ સુધી કંપની બંધ કરવા તથા ઈલેક્ટ્રીક સિટી બંધ કરવા અને જનરેટર સેટથી પણ ચાલુ ના રાખવા આદેશ કરાયો હતો. પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના યુનિટ હેડ જામનગર એ.જે. પટેલની સહીથી થયેલા આ આદેશથી સમગ્ર દ્વારકા જિલ્લામાં ભારે ચકચાર જાગી ગઈ હતી.
આપને જણાવી દઈએ કે ખેડૂતે પણ તેમની 100 વીઘા જમીન પ્રદુષણના કારણે ખરાબ થઈ ગઈ હોવાનો દાવો કર્યો છે જેના આધાર પુરાવા પણ રજૂ કર્યા છે. જો કે, આ દરમ્યાન GPCBના અધિકારીઓ દ્વારા પણ વિવિધ મુદ્દે તપાસનો દોર ચાલુ રાખશે, અને જો દોષિત જણાશે તો વધુ છ માસ કે વધુ એક વર્ષ માટે પણ કંપની બંધના આકરા પગલાં લે તેવી શક્યતાઓ છે.