સરકારે પરંપરાગત તેમ જ ઊભરતા ક્ષેત્રમાં રોજગારની તક વધારી: મોદી

રોજગાર મેળાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ‘રોજગાર મેળા’ને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધ્યું હતું, અને સરકારી કાર્યાલય તેમજ સંગઠનમાં જોડાયેલા નવા નોકરિયાતોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા. (પીટીઆઈ)
નવી દિલ્હી: અમારી સરકારે પરંપરાગત તેમ જ રિન્યૂએબલ ઍનર્જી, સંરક્ષણ નિકાસ અને ઑટોમેશન સહિતના ઊભરતા ક્ષેત્રમાં રોજગારની તક વધારી હોવાનું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે ભારપૂર્વક કહ્યું હતું.
‘રોજગાર મેલા’ના ભાગરૂપ વિવિધ સરકારી ખાતાઓમાં ભરતી માટે અંદાજે ૫૧,૦૦૦ લોકોને વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે નિમણૂકપત્રનું વિતરણ કરતા મોદીએ કહ્યું હતું કે આ બાબત દેશના યુવાનોને નોકરી અને રોજગાર પૂરા પાડવાની અમારી વચનપૂર્તિના નિર્દેશ આપે છે. અમારી સરકારના પ્રયાસને કારણે મરણપથારીએ પડેલા ખાદીક્ષેત્રને જીવતદાન મળ્યું છે અને આ ક્ષેત્રએ ગુમાવેલી મહત્તા પાછી મેળવી છે, એમ તેમણે કહ્યું હતું.
ખાદીક્ષેત્રએ દસ વર્ષ અગાઉના વાર્ષિક રૂ. ૩૦,૦૦૦ કરોડના વેપારની સરખામણીએ રૂ. ૧.૨૫ લાખ કરોડનો વેપાર નોંધાવ્યો હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે આને કારણે ખાદી ગ્રામીણ ઉદ્યોગ ક્ષેત્રમાં નોકરી અને રોજગારની અનેક તક ઊભી થઈ છે.
ખાસ કરીને આને કારણે દેશની મહિલાઓને વિશેષ લાભ થયો છે, એમ તેમણે કહ્યું હતું. સરકાર માત્ર રોજગાર જ પૂરો નથી પાડી રહી, પરંતુ ભરતીની પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા પણ જાળવી રહી છે, એમ તેમણે કહ્યું હતું. ગયા વર્ષના ઑક્ટોબરથી અમારી સરકાર દ્વારા યોજવામાં આવતા ‘રોજગાર મેલા’ અંતર્ગત અત્યાર સુધીમાં દેશના લાખો યુવાનોને નિમણૂકપત્ર આપવામાં આવ્યા હોવાનું જણાવતાં તેમણે કહ્યું હતું કે નવી તકોનો લાભ લેવા આજે દેશના યુવાનોને કાર્યકુશળતા અને શિક્ષણથી સજ્જ કરવામાં અમારી સરકારે નિર્ણાયક ભૂમિકા ભજવી છે. (એજન્સી)