તૃણમૂલના નેતાની ધરપકડ કરવા રાજ્યપાલનો આદેશ
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના રાજ્યપાલ સી. વી. આનંદ બોઝે એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)ના અધિકારીઓની ટીમ પરના હુમલાના સંબંધમાં તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરવા અને તેના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા સંબંધની તપાસ કરવા આદેશ આપ્યો હતો.
શાહજહાં શેખના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા સંબંધ હોવાનું કહેતા રાજ્યપાલના નિવેદનનો તૃણમૂલ કૉંગ્રેસે જોરદાર વિરોધ કર્યો હતો. રાજ્યપાલે શનિવારે મોડી રાતે બહાર પાડેલા સંબંધિત નિવેદનમાં પોલીસ વડાને આ આરોપીની તાત્કાલિક ધરપકડ કરવા હુકમ કર્યો હતો. તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખ સરહદ પાર નાસી ગયા હોવાનું
પણ કહેવાય છે.
રાજ્યપાલે નિવેદનમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે શાહજહાં શેખને શોધવા જોઇએ અને તેના ત્રાસવાદીઓ સાથેના કહેવાતા સંબંધની તાત્કાલિક તપાસ હાથ ધરવી જોઇએ.
દરમિયાન, તૃણમૂલ કૉંગ્રેસના પ્રવક્તા કુણાલ ઘોષે રાજ્યપાલના આ નિવેદનના સંબંધમાં જણાવ્યું હતું કે અમને રાજ્યપાલના આ નિવેદનનું કારણ નથી ખબર, પરંતુ બંધારણની પ્રક્રિયા મુજબ રાજ્યપાલે રાજ્ય સરકારની સાથે સલાહમસલત કરીને કામગીરી કરવાની હોય છે.
પશ્ર્ચિમ બંગાળમાં એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટની ટીમ તૃણમૂલ કૉંગ્રેસના નેતા શાહજહાં શેખને પકડવા ગઇ હતી ત્યારે આ ટીમ પર અંદાજે ૩૦૦ જણના ટોળાએ હુમલો કર્યો હતો અને અધિકારીઓના મોબાઇલ ફોન, પર્સ સહિતની અંગત ચીજો લૂંટાઇ હતી.
(એજન્સી)