બજેટ પહેલા આવ્યા મોટા સમાચાર, વિક્રમી ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરી છલકાઈ…

નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ સત્ર પૂર્વે કેન્દ્ર સરકારને સૌથી મોટા રાહતના સમાચાર મળ્યા છે. જેમાં વિક્રમી ડાયરેક્ટ ટેક્સથી સરકારની તિજોરીમાં નોંધપાત્ર આવક થઈ છે. સરકારને ચાલુ નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનમાં મોટો ફાયદો થયો છે. આવકવેરા વિભાગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે અત્યાર સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 19.41 ટકા જેટલું વધ્યું છે જેના કારણે સરકારની આ વર્ષની ટેક્સની આવક 14.70 લાખ કરોડ રૂપિયા થઈ છે.
સરકારે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 18.23 લાખ કરોડનો ટેક્સ જમા થશે એવો લક્ષ્યાંક રાખ્યો હતો. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23ના 16.61 લાખ કરોડ રૂપિયા કરતાં 9.75 ટકા વધુ છે. ડાયરેક્ટ ટેક્સમાં વ્યક્તિગત આવકવેરો અને કંપની ટેક્સનો સમાવેશ થાય છે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે રિફંડ પછી નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.70 લાખ કરોડ રૂપિયા થયું છે. જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન એકત્ર કરાયેલા ડાયરેક્ટ ટેક્સ કલેક્શન કરતાં 19.41 ટકા વધુ છે. આ નાણાંકીય વર્ષ 2023-24ના બજેટમાં નિર્ધારિત ડાયરેક્ટ ટેક્સ અંદાજના 80.61 ટકા છે.
આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર 1 એપ્રિલ, 2023 થી 10 જાન્યુઆરી, 2024 સુધીમાં કરદાતાઓને 2.48 લાખ કરોડ રૂપિયા પરત કરવામાં આવ્યા છે. તેમજ ગ્રોસ ટેક્સ કલેક્શન રૂ. 17.18 લાખ કરોડ રહ્યું હતું. જે ગત નાણાકીય વર્ષના સમાન સમયગાળા કરતા 16.77 ટકા વધુ છે. ગ્રોસ કંપની ઇન્કમ ટેક્સ (CIT) અને વ્યક્તિગત આવકવેરામાં અનુક્રમે 8.32 ટકા અને 26.11 ટકાનો વધારો થયો છે. રિફંડ બાદ પણ કંપની આવકવેરામાં ચોખ્ખો વધારો 12.37 ટકા અને વ્યક્તિગત આવકવેરામાં 27.26 ટકા છે.