રામમંદિર અંગેના ખોટા સમાચાર ફેલાવવા સામે સરકારની ચેતવણી
નવી દિલ્હી : અયોધ્યાના રામમંદિરના ૨૨ જાન્યુઆરીના પ્રાણપ્રતિષ્ઠાને સંબંધિત ખોટી કે ઉપજાવી કાઢેલી સામગ્રીને પ્રગટ કરવા વિરુદ્ધ પ્રસાર માધ્યમો અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને સરકારે ચેતવણી આપી હતી.
માહિતી અને પ્રસારણ ખાતાના મંત્રાલયે બહાર પાડેલી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કોમી એખલાસ અને જાહેર વ્યવસ્થાને ખોરવી નાખે એવા બિનચકાસણીવાળા, ઉશ્કેરણીજનક અને બનાવટી સંદેશાઓ ખાસ કરીને સોશિયલ મીડિયા પર ફેલાવવામાં આવે છે એવું ધ્યાનમાં આવ્યું છે.
અયોધ્યામાં રામ લલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠાની પૂર્વે વીઆઈપીના આમંત્રણો, ડોનેશન ઝુંબેશ અને પ્રસાદ અંગે સંખ્યાબંધ લોકોને બનાવટી સંદેશાઓ મળ્યા છે.
રામ લલાની પ્રતિમાની પ્રાણપ્રતિષ્ઠા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને બીજા મહાનુભાવોની હાજરીમાં ૨૨ જાન્યુઆરીએ પાર પડાશે.
માર્ગદર્શિકામાં અખબારો, ખાનગી સેટેલાઈટ, ટીવી ચેનલ અને ડિજિટલ મીડિયાના સમાચાર અને તાજી બાબતોના પ્રકાશકને દેશની જાહેર વ્યવસ્થા કે કોમી સંવાદિતાને ભંગ કરે એવી ખોટી કે ઘાલમેલવાળી સામગ્રીને પ્રકાશિત કે પ્રસારિત કરવાની મનાઈ ફરમાવી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રકારની માહિતી ન બતાડવા, ન પ્રદર્શિત કરવા યોગ્ય પ્રયાસો કરવાની સલાહ અપાઈ છે.
મંત્રાલયે પત્રકારની વર્તણૂકના નિયમોના લાગતાવળગતા અંશ, પ્રેસ કાઉન્સિલ એક્ટે ઘડેલા પ્રોગ્રામ કોડ અને કેબલ ટેલિવિઝન નેટવર્ક રેગ્યુલેશન એક્ટ જે ચોકસાઈ અને નિષ્પક્ષતા, જ્ઞાતિ, ધર્મ અને કોમના ઉલ્લેખ તથા મહત્ત્વના રાષ્ટ્રહિતને હાથ ધરે છે તેને માર્ગદર્શિકા સાથે જોડ્યા હતા.
ટેલિવિઝન ચેનલને પ્રોગ્રામ કોડનું અનુસરણ કરવાનું કહ્યું છે. તે કહે છે કે કેબલ સર્વિસ પર કોઈ પણ એવા કાર્યક્રમ ન બતાડવામાં આવે જેમાં અશ્ર્લીલ, બદનક્ષી, પૂર્વયોજિત, ખોટા કે સૂચવેલા કટાક્ષ અને અર્ધસત્યનાં તત્ત્વો હોય અથવા તો એ સામગ્રી હિંસાને પ્રોત્સાહિત કે ભડકાવનારી કે કાયદો અને વ્યવસ્થાની જાળવણીની વિરુદ્ધની કે રાષ્ટ્રવિરોધી વલણને ઉત્તેજના આપતી હોય. (એજન્સી)