₹100 ના સિક્કા પર જોવા મળશે મોહમ્મદ રફીની તસવીર; કંઇક આવો દેખાશે સિક્કો
![](/wp-content/uploads/2025/02/Rs-100-coin-to-mark-birth-centenary-of-Mohammed-Rafi.webp)
મુંબઈ: હિન્દી ફિલ્મોના મહાન ગાયક સ્વર્ગસ્થ મોહમ્મદ રફીની જન્મ શતાબ્દી ચાલી (Birth centenary of Mohammed Rafi) રહી છે. તેમનું સન્માન કરવા ભારત સરકારે ₹100 ના મૂલ્યનો સ્મારક સિક્કો બહાર પાડવાનો નિર્ણય લીધો છે.
ભારત સરકારની જાહેરાત મુજબ, સિક્કાનો આકાર આકાર ગોળાકાર હશે અને તેનો વ્યાસ 44 મિલીમીટર હશે. તેમાં 200 દાંતા હશે. આ સિક્કો મિશ્રધાતુનો બનેલો હશે, જેમાં ચાંદી (50 ટકા), તાંબુ (40 ટકા), નિકલ (05 ટકા) અને ઝીંક (05 ટકા)નો સમાવેશ થશે.
આ પણ વાંચો: પાંચ રૂપિયા અને 350 રૂપિયાની ચલણી નોટને લઈને RBIએ કરી મહત્ત્વની જાહેરાત…
સ્મારક સિક્કા લિગલ ટેન્ડર ગણાય છે, પરંતુ આ સિક્કા જનરલ સર્ક્યુલેશન માટે બહાર પાડવામાં આવતા નથી. તેને ચોક્કસ એજન્સીઓ પાસેથી જ મેળવી શકાય છે.
કેવો દેખાશે સિક્કો:
સિક્કાના આગળના ભાગમાં મધ્યમાં અશોક સ્તંભના સિંહની મુદ્રા હશે, નીચે ‘સત્યમેવ જયતે’ લખેલું હશે, ડાબી બાજુ દેવનાગરી લિપિમાં ‘भारत’ શબ્દ અને જમણી બાજુ અંગ્રેજીમાં ‘INDIA’ શબ્દ લખેલો હશે. સિંહના પ્રતીક નીચે ‘₹’ અને મૂલ્ય ‘100’ લખેલું હશે.
સિક્કાના પાછળના ભાગ પર મધ્યમાં મોહમ્મદ રફીનું ચિત્ર હશે. ઉપરના પરિઘ પર દેવનાગરી લિપિમાં ” मोहम्मद रफी की जन्म शताब्दी” લખેલું હશે અને સિક્કાના નીચેના પરિઘ પર અંગ્રેજીમાં “BIRTH CENTENARY OF MOHAMMED RAFI” લખેલું હશે. મોહમ્મદ રફીની છબી નીચે આંતરરાષ્ટ્રીય અંકમાં વર્ષ “1924-2024” લખેલું હશે.
25,000 થી વધુ ફિલ્મી ગીતો ગાયા:
રફીનો જન્મ 24 ડિસેમ્બર, 1924ના રોજ પંજાબના અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘમાં થયો હતો. તેઓ મહાન ભારતીય બેકગ્રાઉન્ડ સિંગર હતાં, તેમણે લગભગ 40 વર્ષની કારકિર્દીમાં 25,000 થી વધુ ફિલ્મી ગીતો રેકોર્ડ કર્યા હતાં તેઓ તેમની રેંજ અને ગાયનની શૈલી માટે જાણીતા હતા. રફીએ હિન્દી સિવાય અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં પણ ગીતો ગયા છે. 31 જુલાઈ 1980ના રોજ મુંબઈમાં તેમનું અવસાન થયું હતું.