શું સરકારે કોરાનાને કારણે થયેલા મોતના આંકડા છુપાવ્યા? સરકારી રીપોર્ટસમાં મોટો તફાવત; જાણો શું છે હકીકત

મુંબઈ: વર્ષ 2020 અને 2021 ભારત સહીત સમગ્ર વિશ્વ માટે ખુબ મુશ્કેલીઓથી ભરેલા રહ્યા, કોવીડ-19 પાનડેમિકને કારણે દુનિયાભરમાં કરોડો લોકોએ જીવ ગુમાવ્યો. ભારતના કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ કોવીડ-19ને કારણે ભારતમાં કુલ 5,33,665 લોકો મૃત્યુ થયા હતાં, પરંતુ હાલમાં જાહેર કરવામાં આવેલા રીપોર્ટસ અનુસાર હકીકતે આ આંકડો ઘણો વધારે હોઈ શકે છે, રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયા (RGI) દ્વારા બહાર પાડવામાં આવેલા બે મુખ્ય રીપોર્ટના આંકડાનું વિશ્લેષણ કરતા મોટો તફાવત નોંધાયો છે.
પાંચ વર્ષ પછી RGI દ્વારા બહાર પાડવામાં આવેલા રીપોર્ટસ અનુસાર, ભારતમાં કોવિડ-19 લોકડાઉનના બીજા વર્ષ 2021 દરમિયાન કુલ 1 કરોડથી વધુ મૃત્યુ નોંધાયા હતા, જે વર્ષ 2020ની સરખામણીમાં નોંધાયેલા કુલ મૃત્યુ કરતા 21 લાખ વધુ છે. એક વર્ષમાં મૃત્યુદરમાં અચાનક થયેલો આ વધારો ચોંકાવનારો છે, કેમ કે 5 મે 2025 સુધીમાં સરકારની વેબ્સાઈટ મુજબ ભારતમાં કોવિડને કારણે કુલ 5,33,665 મૃત્યુ થયા છે.
મૃત્યુઆંકમાં 26%નો વધારો!
સિવિલ રજીસ્ટ્રેશન સીસ્ટમ પર આધારિત “વાઈટલ સ્ટેટેસ્ટિકસ ઓફ ઇન્ડિયા” (Vital Statistics of India) ટાઈટલ હેઠળના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં વર્ષ 2020માં 81.2 લાખ મૃત્યુ નોંધાયા હતાં, જે 26% વધીને વર્ષ 2021માં 1.02 કરોડ થયા હતાં. જ્યારે વર્ષ જે વર્ષ 2019માં 75.9 લાખ મૃત્યુ નોંધાયા હતા.
વર્ષ 2021 માં નોંધાયેલા કુલ 1.02 કરોડ મૃત્યુમાંથી 23.95 લાખ મેડીકલ રીતે સર્ટિફાઈડ કરવામાં આવ્યા હતાં. જે પાછલા વર્ષે નોંધાયેલા સર્ટિફાઈડ મૃત્યુ કરતા 5.83 લાખનો વધારો દર્શાવે છે.
બે વર્ષના સમયગાળામાં વસ્તીમાં થયેલા કુદરતી વધારાને ધ્યાન લેવામાં આવે તો, 2021 માં મૃત્યુઆંકમાં થયેલો વધારો લગભગ 20 લાખ થાય છે, જે તે વર્ષે 3.3 લાખના સત્તાવાર કોવિડ મૃત્યુઆંક કરતા લગભગ છ ગણો વધારે છે. જેથી એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકારે કોવીડ-19ને કારણે થયેલા મૃત્યુંના આંકડા છુપાવ્યા છે.
RGIનો રીપોર્ટ:
RGI દ્વારા તૈયાર કરવામાં આવેલા “મેડિકલ સર્ટિફિકેશન ઓફ ડેથ કોઝ 2021” નામના અન્ય અહેવાલમાં જણાવવામાં આવ્યું કે વર્ષ 2020માં કોવિડ-19ને કારણે મૃત્યુની સંખ્યા 1,60,618 હતી, જે વધીને વર્ષ 2021 માં 4,13,580 થઇ હતી. આમાં 2,67,363 પુરુષો, 1,46,215 સ્ત્રીઓ અને બે ટ્રાન્સજેન્ડર મૃત્યુનો સમાવેશ થાય છે. આ રીપોર્ટ મુજબ 2020 અને 2021માં કુલ 5,74,168 કોવિડ-19 મૃત્યુ નોંધાયા હતા, જ્યારે 5 મે સુધીમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના કોવિડ-19 ડેશબોર્ડના ડેટા મુજબ કોવિડ-19 સંબંધિત 5,33,665 મૃત્યુ નોંધાયા છે.
WHOએ શું કહ્યું?
સંશોધકોના મૂલ્યાંકન અનુસાર કોવિડ-19નો મૃત્યુ આંક વાસ્તવિક સંખ્યા કરતા 4-12 ગણો વધારે હોઈ શકે છે. વર્ષ 2022 માં પ્રકાશિત થયેલા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા જાહેર કરવામાં અહેવાલ મુજબ વર્ષ 2020 અને 2021 માં ભારતમાં “વધારે મૃત્યુ” (Excess death)ની સંખ્યા લગભગ 47 લાખ દર્શાવવામાં આવી હતી, આ આંકડો એ બે વર્ષ દરમિયાન સરકારના સત્તાવાર આંકડા 4.8 લાખ કરતા લગભગ 10 ગણો વધારે છે.
આ રાજ્યોમાં સૌથી વધુ તફાવત:
આંકડા મુજબ, મૃત્યુઆંક સૌથી વધુ તફાવત ગુજરાતમાં જોવા મળે છે, વર્ષ 2021 માં ગુજરાતમાં મૃત્યુઆંકમાં લગભગ 2 લાખનો વધારો નોંધાયો હતો, જ્યારે એ વર્ષે રાજ્યના કોવિડ-19 મૃત્યુઆંક 5,800 જ છે. આમ 2 લાખનો વધારો સત્તાવાર કોવિડ-19 મૃત્યુ આંક કરતા 33 ગણો વધારે છે.
એવી જ રીતે મધ્યપ્રદેશમાં આ તફાવત 18 ગણો, પશ્ચિમ બંગાળમાં 15 ગણો, બિહાર, રાજસ્થાન, ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં 10 ગણો વધારે હતો.
તે વર્ષ માટે સત્તાવાર કોવિડ ટોલ અને મૃત્યુ આંકમાં થયેલા વધારા વચ્ચે સૌથી ઓછો તફાવત કેરળ, ઉત્તરાખંડ, આસામ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં નોંધાયો છે.
SRS આંકડાઓ શું કહે છે?

SRS ડેટા દર્શાવે છે કે 2007 થી 2019 સુધી દેશમાં દર વર્ષે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા 81 લાખથી 86 લાખ વચ્ચે રહી હતી, આ સમયગાળા દરમિયાન વાર્ષિક સરેરાશ મૃત્યુ આંક 83.5 લાખ રહ્યો. તાજેતરના વર્ષોમાં નોંધણી દરમાં નોંધપાત્ર વધારો થયો છે, જે 2013 માં 70% હતો એ વધીને 2016 માં 77% અને 2019 માં 92% થયો હતો. આ સંખ્યા 2020 અને 2021 માં વધુ વધી હશે, પરંતુ તે ડેટા ઉપલબ્ધ નથી.
આમ, વર્ષ 2021 માં 1.02 કરોડથી મૃત્યુ નોંધ્યા હતાં, જે વાર્ષિક શરેરાશ 83.4 લાખ મૃત્યુ કરતા 18.75 લાખ છે. વર્ષ 2021 માં મૃત્યુઆંકમાં થયેલા આ મોટા વધારા માટે અન્ય કોવીડ-19 સિવાય બીજું કોઈ નોંધપાત્ર કારણ નથી, જ્યારે સરકારી આંકડા મુજબ વર્ષ 2021 માં કોવિડ-19ને કારણે 4,13,580 જ મોત થયા હતાં. ત્યારે મૃત્યુઆંકમાં થયેલો વધારો શંકા ઉપજાવે છે, કે કોરોના વાયરસને કારણે થયેલા મૃત્યુના આંકડા છુપાવવામાં આવ્યા છે.
જો બધા 1.02 કરોડ મૃત્યુ મેડીકલ રીતે સર્ટિફાઈડ થયા હોય તો આ તફાવત મોટો હોઈ શકે છે. SRS રીપોર્ટમાં વર્ષ 2020 અને 2021 માટે ડેથ રજીસ્ટ્રેશન રેટનો મહત્વપૂર્ણ ડેટા ઉપલબ્ધ નથી.
આપણ વાંચો: પીએમ મોદીએ સેનાના ત્રણેય વડા સાથે બે કલાક કરી મીટિંગ, ડોભાલ-રાજનાથ સિંહ પણ રહ્યા હાજર
સરકારના અધિકારીએ શું કહ્યું?
અહેવાલ મુજબ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ દેશના જન્મ અને મૃત્યુના સત્તાવાર રેકોર્ડના નવા ડેટાનો ઉલ્લેખ કરતા શનિવારે જણાવ્યું હતું કે, 2020 અને 2021 માં થયેલા વધારાના મૃત્યુ COVID-19 ને કારણે સીધા થયેલા મૃત્યુ સમાન નહોતા.
અધિકારીએ તાજેતરના CRS ડેટાનો ઉલ્લેખ કરતા જણાવ્યું, “2020 અને 2021 માટે ભારતમાં વધારાના મૃત્યુ(Excess Death)નો આંકડાઓ અપેક્ષિત મૃત્યુ કરતા 9.3% વધુ હતો, જે આંકડો યુ.એસ., ઇટાલી અને રશિયા કરતા ઓછો છે.”
અધિકારીએ જણાવ્યું કે આ આંકડો યુ.એસ.માં 17.6%, ઇટાલીમાં 11.8%, યુકેમાં 11.8%, રશિયામાં 29.9%, ફ્રાન્સમાં 6.7%, જર્મનીમાં 5.3% અને કેનેડામાં 5.2% હતો..
આ કારણે પણ વધારો હોઈ શકે છે:
એક અહેવાલ મુજબ CRS માં નોંધાયેલા મૃત્યુમાં વધારાના અન્ય ઘણા કારણો હોઈ શકે છે. વધુ વસ્તી, રિપોર્ટિંગની વધુ સારી પ્રક્રિયાઓ અને નોંધણીની જરૂરિયાત પ્રત્યે વધેલી જાગૃતિ જેવા કારણો જવાબદાર હોઈ શકે છે. પેન્શન યોજનાઓ, સામાજિક સુરક્ષા લાભો અને મિલકતના મુદ્દાઓ માટે મૃત્યુ પ્રમાણપત્રો ફરજિયાત કરવામાં આવ્યા છે, જેને કારણે રજીસ્ટ્રેશન વધુ નોંધાયા હોઈ શકે છે. વધુમાં, અધિકારીએ જણાવ્યું હતું કે, COVID-19 મૃત્યુ માટે વળતર મેળવવા મૃત્યુ પ્રમાણપત્ર જરૂરી છે, જેના કારણે CRS હેઠળ વધુ રજીસ્ટ્રેશન થયા હોઈ શકે છે.