શું સંસદમાં 74 વર્ષ જૂના ઈતિહાસનું આજે થશે પુનરાવર્તન? જાણો 18મી સપ્ટેમ્બર,1949ના દિવસે શું થયું હતું સંવિધાન સભામાં……

નવી દિલ્હીઃ 18મી સપ્ટેમ્બર, 1949ના દિવસે એટલે કે આજથી 74 વર્ષ પહેલાં પણ આજના દિવસે સંવિધાન સભામાં દેશના નામ પર ચર્ચા થઈ રહી હતી કે દેશનું ભારત હોવું જોઈએ કે India? આજે 18મી સપ્ટેમબર, 2023 અને સંસદનું વિશેષ સત્ર શરૂ થઈ રહ્યું છે ત્યારે એવી આશા સેવાઈ રહી છે કે આજે પણ સંસદમાં દેશના નામ વિશે ચર્ચા થઈ શકે છે. શું ઈતિહાસનું પુનરાવર્તન થઈ રહ્યું છે? શું 74 વર્ષ પહેલાં જે ના થઈ શક્યું એ આજે થઈ શકે છે?
કારણ કે સંવિધાન સભામાં ઘણા બધા એવા સભ્યો હતા કે જેઓ એવું કહી રહ્યા હતા કે દેશનું એક જ નામ હોવું જોઈએ. આજે ફરી એક વખત એવી દલીલ કરવામાં આવી રહી છે કે જ્યારે દુનિયામાં કોઈ પણ દેશના બે નામ નથી તો આપણા જ દેશના બે નામ કેમ એવું કહેવામાં આવી રહ્યું છે કે વિશેષ સત્ર બોલાવવા માટે પણ આ તારીખ ખૂબ જ સમજી વિચારીને નક્કી કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોકના એચ વી કામથે 74 વર્ષ પહેલાં દેશનું નામ ઈન્ડિયાથી બદલીને ભારત કે ભારતવર્ષ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને એ સમયે આ પ્રસ્તાવના પક્ષમાં 38 વોટ જયારે વિરોધમાં 51 વોટ મળ્યા હતા.
ડો. રાજેન્દ્ર પ્રસાદની અધ્યક્ષતામાં 18મી સપ્ટેમ્બર, 1949માં પહેલી વખત એવું બન્યું હતું કે સંવિધાન સભામાં દેશના નામને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ડો. બાબાસાહેબ આંબેડકરે દેશ માટે બે નામ સૂચવ્યા હતા ભારત અને ઇન્ડિયા. ત્યારે એચ વી કામથે એવી દલીલ કરી હતી કે દરેક બાળકના જન્મ બાદ એનું નામકરણ કરવામાં આવે છે અને ટૂંક સમયમાં જ ઈન્ડિયાનો પણ જન્મ થશે. એ વખતે દેશના નામને લઈ અનેક સૂચનો કરવામાં આવ્યા હતા જેમાં હિંદુસ્તાન, હિંદ, ભારત, ભારત વર્ષ અને ભારતભૂમિ જેવા નામોનો સમાવેશ થાય છે. આ નામો એવા હતા કે જેની ચર્ચા ખૂબ લાંબા સમય સુધી કરવામાં આવી હતી.
દમિયાન હવે એવી આશા વ્યક્ત કરાઈ રહી છે કે આજથી શરૂ થયેલા સંસદના વિશેષ સત્ર દરમિયાન ચાર બિલ સંસદમાં રજૂ કરવામાં આવી શકે છે. આ ચાર બિલમાં પોસ્ટ ઓફિસ બિલ, મુખ્ય ચૂંટણી કમિશનર તથા અન્ય ચૂંટણી કમિશનરની નિમણૂંક સંબંધિત બિલ, સંશોધન બિલ 2023 અને પ્રેસ એન્ડ રજીસ્ટ્રેશન ઓફ પિરિયોડિકલ્સ બિલનો સમાવેશ થાય છે.