સરકારે એરલાઈન્સના કાન આમળ્યા તો શાન ઠેકાણે આવી, જાણો કઈ કંપનીએ રેટ ઘટાડ્યાં
નવી દિલ્હીઃ હવાઈ પ્રવાસ કરીને મહાકુંભમાં ભાગ લેનારાઓ માટે ઘણા સારા સમાચાર છે. સરકારના હસ્તક્ષેપ બાદ પ્રયાગરાજ જતી એરલાઇન્સના ફ્લાઇટ ટિકિટોના ભાડામાં ઘટાડો જોવા મળ્યો છે. ઇન્ડિગો એરલાઇને પ્રયાગરાજ રૂટ પર ફ્લાઇટની ટિકિટો સસ્તી કરી દીધી છે. તેણે ભાડામાં 50% સુધીનો ઘટાડો કર્યો છે.
છેલ્લા કેટલાક દિવસોથી આ સમાચાર ચર્ચાનો વિષય બની ગયા હતા કે એરલાઇન્સ કંપનીઓ પ્રયાગરાજની મુસાફરી માટે રૂ.50,000 સુધીનો ટિકિટના ભાડા વસુલ કરી રહી છે. ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોષીએ કહ્યું હતું કે પ્રયાગરાજની ફ્લાઈટના ભાડા ખૂબ મોંઘા છે અને તેમણે રેગ્યુલેટર ડીજીસીએને ભાવ ઘટાડવા માટે પગલાં ભરવા જણાવ્યું હતું. સરકારના હસ્તક્ષેપ બાદ ઇન્ડિગો એરલાઇન્સે પ્રયાગરાજના ફ્લાઈટના ભાડામાં 30 થી 50% સુધીનો ઘટાડો કર્યો છે.
માંગ વધવાને કારણે એરલાઇને ભાડામાં વધારો કર્યો હતો
મહાકુંભને કારણે દેશવિદેશથી મોટી સંખ્યામાં મુસાફરો પ્રયાગરાજ પહોંચી રહ્યા છે. ભારે માંગને કારણે એરલાઇન્સે પણ આ રૂટની ફ્લાઈટની ટિકિટ ઘણી મોંઘી કરી દીધી હતી. દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરોમાંથી પ્રયાગરાજ જવાના હવાઈ ભાડામાં ભારે વધારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચો…મહાકુંભ નાસભાગઃ સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ, કરવામાં આવી આ માંગ
indigo એ તેની કિંમતમાં 50% સુધીનો ઘટાડો કર્યો
સરકારે દરમિયાનગીરી કરીને એરલાઈન્સ કંપનીઓને આ રૂટની ઊંચી ટિકિટના ભાવને વાજબી બનાવવાનું કહ્યું હતું કે જેની મોટી અસર થઈ છે અને હવે indigo એરલાઇન્સે પ્રયાગરાજની ટિકિટ સસ્તી કરી છે. indigoની વેબસાઈટ પર હવે પ્રયાગરાજ રૂટ પર ફ્લાઇટ ટિકિટના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જો તમારે બીજી ફેબ્રુઆરીની દિલ્હીથી પ્રયાગરાજની ટિકિટ જોઈતી હોય તો તે 13513 રૂપિયામાં ઉપલબ્ધ છે. વેબસાઈટ પર 2 થી 15 ફેબ્રુઆરી સુધી ટિકિટની સમાન કિંમત દર્શાવવામાં આવી રહી છે. એવી જ રીતે મુંબઈથી પ્રયાગરાજની ટિકિટની કિંમત હવે 20,606 રૂપિયા દર્શાવવામાં આવી રહી છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે અન્ય એરલાઇન્સો પણ ઇન્ડિગોને અનુસરશે અને તેમની ફ્લાઈટ ટિકિટો સસ્તી કરશે.