સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ તાત્કાલિક અસરથી ઉઠાવી લીધો છે. ચોખાનો સ્થાનિક પુરવઠો સુનિશ્ચિત કરવા અને ભાવ નિયંત્રણમાં રાખવા માટે સરકારે જુલાઈ 2023માં આ પ્રતિબંધ લાદ્યો હતો. નિકાસકારોએ બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવાના નિર્ણયની પ્રશંસા કરી હતી કહ્યું હતું કે, “આ પ્રતિબંધને હટાવવાનો ભારતનો સાહસિક નિર્ણય કૃષિ ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર છે.”
આ ઉપરાંત સરકારે પારબોઈલ્ડ રાઇસ (boiled rice) પરની નિકાસ ડ્યૂટી 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે. આનું કારણ એ છે કે દેશમાં અનાજનો સ્ટોક વધ્યો છે અને ખેડૂતો આગામી અઠવાડિયામાં નવા પાકની લણણી કરવા માટે તૈયાર છે. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિપુલ પ્રમાણમાં ચોમાસાના વરસાદથી પ્રોત્સાહિત થઈને દેશના ખેડૂતોએ 41.35 મિલિયન હેક્ટર વિસ્તારમાં ચોખાનું વાવેતર કર્યું છે. આ વિસ્તાર ગયા વર્ષના 40.45 મિલિયન હેક્ટર અને છેલ્લા પાંચ વર્ષના સરેરાશ વિસ્તાર 40.1 મિલિયન હેક્ટર કરતા વધુ છે.
આ પણ વાંચો : તમિલનાડુના ક્રિષ્નાગિરીમાં Tata ની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, કોઇ જાનહાનિ નહિ…
એમ પણ જણાવવામાં આવી રહ્યું છએ કે નિકાસ ડ્યુટીમાં ઘટાડાથી ભારતના નિકાસ ભાવમાં ઘટાડો થશે, શિપમેન્ટમાં વધારો થશે અને થાઈલેન્ડ, વિયેતનામ, પાકિસ્તાન અને મ્યાનમાર જેવા હરીફ દેશોને તેમની નિકાસ કિંમતો ઘટાડવા માટે મજબૂર કરશે. ભારતે 2023માં પારબોઈલ્ડ ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યૂટી લાદી હતી કારણ કે સામાન્યથી ઓછા વરસાદને કારણે તેના પાકને અસર થઈ હતી.
સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે બ્રાઉન રાઇસ પરની નિકાસ ડ્યૂટી ઘટાડીને 10% કરી દેવામાં આવી છે. આ કાપ તરત જ અમલમાં આવશે. વ્હાઈટ રાઈસ પરની નિકાસ ડયુટી શૂન્ય કરી દેવામાં આવી છે. જો કે, સરકારે એ બાબતની સ્પષ્ટતા કરી નથી કે શું ખાનગી વેપારીઓને નિકાસ કરવાની મંજૂરી આપવામાં આવશે કે શું વેપાર સરકાર-થી-સરકારી સોદા પૂરતો જ મર્યાદિત રહેશે.