નેશનલ

પ્લેટિનમની અમુક ચીજોની આયાત પર સરકારે નિયંત્રણો લાદ્યા

નવી દિલ્હીઃ પ્લેટિનમ સાથે મોટા પ્રમાણમાં સોનાની ગેરકાયદે થતી આયાતને ડામવા માટે સરકારે ગત ગુરુવારે પ્લેટિનમની અમુક ચીજોની આયાત પર પ્રતિબંધ લાદ્યો હતો.

આઈટીસી એચએસ કોડ 71141920 હેઠળની ચીજોની આયાત નીતિમાં ફેરફાર કરીને તેને મુક્તમાંથી નિયંત્રણ હેઠળ મૂકવામાં આવી હોવાનું ડિરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે એક નોટિફિકેશનમાં જણાવ્યું હતું. અત્રે નોંધનીય બાબત એ છે કે એચએસ (હાર્મનાઈઝ્ડ સિસ્ટમ)કોડમાં પ્લેટિનમથી બનાવવામાં આવેલ ચીજોનો સમાવેશ થાય છે.

ઉદ્યોગના નિષ્ણાતોના મતાનુસાર અગાઉ પ્લેટિનમ ઍલૉયના સ્વરૂપમાં સોનું આવી રહ્યું હતું અને આ છીંડું બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ હવે પ્લેટિનમની ચીજોમાં સોનાની ભેળવણી કરવામાં આવી રહી છે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર નાણાકીય વર્ષ 2025માં દેશમાં કિંમતી ધાતુ ધરાવતી ચીજોની આયાત નાણાકીય વર્ષ 2023-24ની સરખામણીમાં બમણી થઈને 97.5 લાખ ડૉલરની સપાટીએ રહી હતી.

આપણ વાચો: ભારતે બાંગ્લાદેશને આપ્યો વધુ એક આંચકો, હવે આ ઉત્પાદનોની આયાત પર પ્રતિબંધ મૂક્યો

જોકે, નોટિફિકેશન અનુસાર સરકારે ભારતીય ઓરિજિન ધરાવતી ચીજો જે નિકાસ પ્રોત્સાહન માટે વિદેશ લઈ જવામાં આવી હોય અથવા તો પ્રદર્શનમાં મૂકવામાં આવી હોય અથવા તેના સમારકામ માટે પાછી લાવવામાં આવી હોય અથવા રિજેક્ટ કરવામાં આવી હોય તો તેની પુનઃ આયાતને મંજૂરી આપવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત સાલ સરકારે સોના અને પ્લેટિનમની ટૅરિફના તફાવતનો લાભ લેવા માટે ગેરકાયદેસર ધોરણે પ્લેટિનમ એલોયમાં સોનાની ભેળવણી ડામવા માટે 99 ટકા કરતાં ઓછી પ્યોરિટી ધરાવતા પ્લેટિનમ ઍલૉયની આયાત પર નિયંત્રણો લાદ્યા હતા.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button