એરપોર્ટ પર ભીડ ઓછી થાય એ માટે સરકારે પગલા લીધા છે: જ્યોતિરાદિત્ય સિંધિયા
નવી દિલ્હી: દિલ્હી અને મુંબઇ સહિત દેશના અનેક મોટા એરપોર્ટ પર મુસાફરોની સતત ભીડ જોવા મળતી હોય છે, સ્વાભાવિક છે કે આ શહેરોના એરપોર્ટ દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટ્સમાંના એક છે. મુસાફરોની ભીડ મામલે કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ એક મોટું નિવેદન આપ્યું હતું, તેમણે જણાવ્યું હતું કે એરપોર્ટ પર મુસાફરોની વધતી જતી ભીડને કારણે સર્જાયેલી અરાજકતાને પગલે સ્થિતિનું નિરીક્ષણ કરવા મેં વીકે સિંહ જી સાથે દિલ્હી એરપોર્ટની મુલાકાત લીધી હતી. એ પછી અમારી સરકારે નિર્ણય લીધો હતો કે અમે આગામી કેટલાક મહિનાઓમાં એરપોર્ટ પર ભીડ ઘટાડવા માટે ઝડપથી કામ કરીશું. અને અમે આમ કર્યું છે.
અમે એરપોર્ટ પર મુસાફરોની ભીડના કારણોની જ્યારે તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે 5 થી 6 એવા ટચ પોઈન્ટ છે કે જેના દ્વારા મુસાફરો એરપોર્ટ સુધી પહોંચે છે. આ સિવાય એરપોર્ટ ઈન્ફ્રાનો અભાવ, એક્સ-રે મશીનનો અભાવ, ફ્લાઈટ્સનું બંચિંગ, લોકોની અછત, સુરક્ષા અને ઈમિગ્રેશન જેવી સમસ્યાઓના કારણે એરપોર્ટ પર મુસાફરોની ભીડ વધુ જોવા મળે છે. આ સમસ્યાને દૂર કરવા માટે અમે ડિજી યાત્રાને પ્રોત્સાહન આપ્યું. આજે દેશના 13 એરપોર્ટ પર તેનો ઉપયોગ થાય છે. આ એ જ એરપોર્ટ છે જ્યાંથી 85 ટકા મુસાફરો તેમની મુસાફરી શરૂ કરે છે અથવા સમાપ્ત કરે છે.
આ સાથે જ કેન્દ્રીય પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયાએ વધુમાં જણાવ્યું હતું કે આગામી સમયમાં અમે ડિજી યાત્રાને વધુ વિસ્તારવા જઈ રહ્યા છીએ. દેશના વધુ 25 એરપોર્ટ પર ડિજિયાત્રાની સુવિધા અમે ઉપલબ્ધ કરાવીશું જેથી મુસાફરોને મોટી સુવિધા મળશે.
ડિજિ યાત્રા એક એપ છે, જેને 1 ડિસેમ્બર 2022થી શરૂ કરવામાં આવી હતી. આ એપની મદદથી મુસાફરોને કોઈપણ બોર્ડિંગ પાસ વિના માત્ર ચહેરાની ઓળખ દ્વારા એરપોર્ટમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવે છે. જેમાં એરલાઇન્સ ડિપાર્ચર કંટ્રોલ સિસ્ટમ દ્વારા પેસેન્જર ડેટાની ચકાસણી કરવામાં આવશે. એટલે કે માત્ર નિયુક્ત મુસાફરો જ ટર્મિનલમાં પ્રવેશી શકશે. સમગ્ર પ્રક્રિયા સુરક્ષિત અને સ્વચાલિત છે. આ એપ એન્ડ્રોઇડ તથા IOS પ્લેટફોર્મ્સ પર ઉપલબ્ધ છે.