નેશનલ

સાર્વજનિક સ્થળો પર મહિલાઓ અને બાળકો માટે ફિડિંગ અને ચેન્જિંગ રૂમ બનાવેઃ કેન્દ્ર સરકારના રાજ્યોને નિર્દેશ…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેટલાક કેન્દ્રીય મંત્રાલયોને નિર્દેશ આપ્યા હતા કે તે સાર્વજનિક સ્થળો પર બાળકો અને મહિલાઓ માટે ફિડિંગ અને ચેન્જિંગ રૂમ બનાવે જેથી માતાઓ માટે સુલભતા અને સુવિધામાં સુધારો થાય. મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન મંત્રાલય, રેલવે બોર્ડ અને રાજ્ય સરકારોને પત્ર લખીને આવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા કહ્યું છે.

નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું હતું કે વિવિધ એરપોર્ટ પર કુલ 312 ફીડિંગ અને ચેન્જિંગ રૂમ સ્થાપિત કરવામાં આવ્યા છે, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એએઆઇ) હેઠળ 164 અને નોન-એએઆઇ એરપોર્ટ પર 148નો સમાવેશ થાય છે. તેવી જ રીતે માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે માહિતી આપી છે કે તેલંગણામાં 26 બસ સ્ટેશનો, તમિલનાડુ, કોઈમ્બતુરમાં બે અને ઉત્તર પ્રદેશમાં 50 બસ સ્ટેશનો પર ફીડિંગ રૂમ બનાવવામાં આવ્યા છે. દિલ્હી, ગોવા, ચંડીગઢ અને મેઘાલય સહિત અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ પણ આ સંદર્ભમાં થયેલા કામની જાણકારી આપી હતી.

મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે તમામ મંત્રાલયો અને રાજ્ય સરકારો માટે એક સલાહ જાહેર કરી છે જેમાં તેમને વર્કિંગ વુમનને સમર્થન કરવા માટે સાર્વજનિક કાર્યાલયો અને કાર્યસ્થળોમાં જેન્ડર ફ્રેન્ડલી જગ્યાઓ બનાવવા વિનંતી કરી છે.

આ પણ વાંચો : “માતૃત્વ યોજના’માં ફાળવ્યું ઓછું બજેટ, રાજ્યસભામાં સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર પર તાક્યું નિશાન…

આ એડવાઇઝરીમાં વોશરૂમમાં સેનિટરી પેડ વેન્ડિંગ મશીનો અને ઇન્સિનરેટર લગાવવા, ફીડિંગ રૂમ, રેસ્ટરૂમ અને યોગ રૂમ માટે જગ્યા ફાળવવા અને 50 કે તેથી વધુ કર્મચારીઓ ધરાવતી જાહેર ઇમારતોમાં ક્રેચ સુવિધાઓ શરૂ કરવા પગલા લેવાના નિર્દેશ સામેલ છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી સાવિત્રી ઠાકુરે રાજ્યસભામાં એક પ્રશ્નના જવાબમાં આ જાણકારી આપી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button