
નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલર સામે રૂપિયાના અવમૂલ્યનના લીધે દેશમાં ફોરેન ઇન્વેસ્ટમેન્ટ( Foreign Investment) ઘટવાના સંકેત મળ્યા છે. તેવા સમયે સરકારે હવે વિદેશી રોકાણ કેવી રીતે વધારી શકાય તે માટે પણ પ્રયાસો હાથ ધર્યા છે. આ અંગે એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે ઉદ્યોગ અને આંતરિક વેપાર પ્રમોશન વિભાગ (DPIIT)એ વિવિધ સરકારી વિભાગો, નિયમનકારો, ઉદ્યોગ સંગઠનો, કન્સલ્ટિંગ અને કાનૂની કંપનીઓ, પેન્શન ફંડ્સ, ખાનગી ઇક્વિટી અને સાહસ મૂડી કંપનીઓ સાથે સલાહ સૂચનો માંગ્યા છે.
વેપાર માટેની નીતિમાં કેટલાક ફેરફારો પણ સૂચવવામાં આવ્યા
તેમજ અધિકારીએ જણાવ્યું કે વિભાગને આ વિવિધ મુદ્દાઓ પર સૂચનો મળ્યા છે. આ સૂચનોમાં આવેલા મુદ્દાઓમાં ઈ-કોમર્સ કંપનીઓને ફક્ત નિકાસ હેતુ માટે ઓનલાઈન વ્યવસાયના ઇન્વેન્ટરી-આધારિત મોડેલમાં વિદેશી રોકાણ પ્રાપ્ત કરવાની મંજૂરી આપવાનો સમાવેશ થાય છે. જ્યારે સિંગલ-બ્રાન્ડ રિટેલ વેપાર માટેની નીતિમાં કેટલાક ફેરફારો પણ સૂચવવામાં આવ્યા છે.
આ પણ વાંચો : વિદેશી રોકાણકારો માટે ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બન્યું ભારત, જાણો વિગતે
વિદેશી રોકાણનો પ્રવાહ 1 ટ્રિલિયન ડોલરને પાર
ભારત સાથે જમીની સરહદ ધરાવતા દેશના રોકાણકારોએ સરકારની મંજૂરી લેવી ફરજિયાત છે. જ્યારે એપ્રિલ 2000 થી સપ્ટેમ્બર 2024 ના સમયગાળા દરમિયાન ભારતમાં સીધા વિદેશી રોકાણનો પ્રવાહ 1 ટ્રિલિયન ડોલરને પાર કરી ગયો છે. જેમાં મહત્તમ રોકાણ સેવા ક્ષેત્ર, કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટેલિકોમ્યુનિકેશન, વેપાર, બાંધકામ વિકાસ, ઓટોમોબાઈલ, રસાયણો અને ફાર્માસ્યુટિકલ્સનો સમાવેશ થાય છે. ચાલુ નાણાકીય વર્ષ (2024-25) ના એપ્રિલ-સપ્ટેમ્બર સમયગાળામાં ભારતમાં રોકાણ વાર્ષિક ધોરણે 45 ટકા વધીને 29.79 અબજ ડોલર થયું છે.