નેશનલ

મીડિયા ચેનલો પર લશ્કરી ગતિવિધિઓનું લાઈવ કવરેજ નહીં જોવા મળે! સરકારે આપી સુચના

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલો (Pahalgam Terrorist Attack) થયા બાદ ભારત સરકાર પાકિસ્તાન સામે કડક કાર્યવાહી કરી રહી છે. અહેવાલો મુજબ ભારત પાકિસ્તાન સામે લશ્કરી કાર્યવાહી પણ શરુ કરી શકે છે, જેના માટે તૈયારીઓ કરવામાં આવી રહી છે. હાલ આ મુદ્દો સમચાર માધ્યમો અને સોશિયલ મીડિયા પર સૌથી વધુ ચર્ચાતો મુદ્દો છે. એવામાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તમામ મીડિયા ચેનલો માટે એક મહત્વની એડવાઈઝરી જાહેર (I&B Ministry issues advisory) કરી છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને એડવાઇઝરી જાહેર કરી છે. એડવાઈઝરીમાં સંરક્ષણ કાર્યવાહી અને સિક્યોરિટી ફોર્સીઝની ગતિવિધિઓનું લાઈવ બ્રોડકાસ્ટીંગ ન કરવા સુચના આપવામાં આવી છે.

આજે શનિવારના રોજ જાહેર કરવામાં આવેલા કરાયેલા એક નિવેદનમાં, મંત્રાલયે કહ્યું છે કે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, મીડિયા ચેનલોએ રાષ્ટ્રીય હિતમાં લાઇવ કવરેજ કરતી વખતે સાવધાની રાખવી જોઈએ. એડવાઇઝરીમાં 8 સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો: પહેલગામ આતંકી હુમલાનો નવો વિડીયો પ્રકાશમાં આવ્યો, પ્રવાસીઓને ગોળી મારતો દેખાયો આતંકી

એડવાઇઝરીમાં સામેલ 8 સુચનાઓ:

  1. રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં, તમામ મીડિયા પ્લેટફોર્મ, ન્યુઝ એજન્સીઓ અને સોશિયલ મીડિયા યુઝર્સને સલાહ આપવામાં આવે છે કે તેઓ ડિફેન્સ અને અન્ય સુરક્ષા-સંબંધિત કામગીરી પર રિપોર્ટિંગ કરતી વખતે અત્યંત જવાબદારીપૂર્વક કામ કરે અને હાલના કાયદા અને નિયમોનું કડકપણે પાલન કરે.
  2. ખાસ કરીને ડિફેન્સ ઓપરેશન અથવા મુવમેન્ટ સંબંધિત કોઈ રીઅલ-ટાઇમ કવરેજ, લાઇવ બ્રોડકાસ્ટ અથવા ‘સોર્સ-આધારિત’ માહિતી પ્રકાશિત કરવી જોઈએ નહીં. સંવેદનશીલ માહિતીનો ખુલાસો દુશ્મનોને મદદ કરી શકે છે અને કામગીરીની અસરકારકતા અને સુરક્ષા દળના કર્મચારીઓની સલામતી સામે જોખમ ઉભું કરી શકે છે.
  3. ભૂતકાળના બનેલી ઘટનાઓએ જવાબદાર રિપોર્ટિંગના મહત્વને રેખાંકિત કર્યું હતું. કારગિલ યુદ્ધ, મુંબઈ આતંકવાદી હુમલા (26/11) અને કંદહાર હાઇજેકિંગ જેવી ઘટનાઓ દરમિયાન, નિયંત્રણ વગરના કવરેજને કારણે રાષ્ટ્રીય હિત પર પ્રતિકૂળ અસર પડી હતી.
  4. રાષ્ટ્રીય સુરક્ષાના રક્ષણ માટે મીડિયા, ડિજિટલ પ્લેટફોર્મ અને ઇન્ડિવિજ્યુઅલ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. કાયદાકીય જવાબદારીઓ ઉપરાંત, આપણી સામૂહિક નૈતિક જવાબદારી પણ છે કે આપણે ખાતરી કરીએ કે આપણી ગતિવિધિઓ ચાલુ કામગીરી અથવા સુરક્ષા દળોની સલામતીને નુકશાન ન પહોંચાડે.
  5. માહિતી અને પ્રસારણ મંત્રાલયે પહેલાથી જ તમામ ટીવી ચેનલોને કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (અમેન્ડમેન્ટ) રૂલ્સ, 2021 ના નિયમ 6(1)(p) નું પાલન કરવાની સલાહ આપી છે. નિયમ 6(1)(p) મુજબ, કેબલ સર્વિસમાં કોઈપણ સુરક્ષા દળ દ્વારા હાથ ધરવામાં આવી રહેલી કોઈપણ આતંકવાદ વિરોધી કાર્યવાહીનું લાઈવ બ્રોડકાસ્ટીંગ કરી શકે નહીં. મીડિયા કવરેજ ફક્ત સરકાર દ્વારા નિયુક્ત અધિકારી દ્વારા સમયાંતરે આપવામાં આવતી બ્રીફિંગ સુધી મર્યાદિત રહેશે, જ્યાં સુધી કામગીરી પૂર્ણ ન થાય.
  6. આવું પ્રસારણ કેબલ ટેલિવિઝન નેટવર્ક્સ (અમેન્ડમેન્ટ) રૂલ્સ, 2021નું ઉલ્લંઘન છે અને તેના હેઠળ કાર્યવાહી થઇ શકે છે. તેથી, તમામ ટીવી ચેનલોને રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં કોઈપણ આતંકવાદ વિરોધી કામગીરી અને સુરક્ષા દળોની પ્રવૃત્તિઓનું લાઈવ કવરેજ બ્રોડકાસ્ટ ન કરવાની સલાહ આપવામાં આવે છે.
  7. બધા હિતધારકોને વિનંતી છે કે તેઓ સાવધાની, સંવેદનશીલતા અને જવાબદારી સાથે રિપોર્ટિંગ ચાલુ રાખે અને રાષ્ટ્રની સેવામાં યોગદાન આપે
  8. આ આદેશ મંત્રાલયના અધિકારીની મંજૂરીથી જાહેર કરવામાં આવ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button