દિવાળી પહેલાં જ ગોરખપૂરમાં ભીષણ અકસ્માત: 6 ના મોત 25ને ઇજા
ગોરખપુર: ઉત્તર પ્રદેશમાં આવેલ ગોરખપૂરના કુશીનગર મહામાર્ગ પર આવેલ જગદીશપૂર પાસે ગુરુવારે મોડી રાત્રે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 6 લોકોનું મૃત્યુ થયું છે. જ્યારે 25ને ઇજા પહોંચી છે. પાંચ એમ્બ્યુલન્સની મદદથી ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં. જેમાં 10 મુસાફરોની હાલત ગંભીર હોવાની વિગતો જાણવા મળી છે. એક બસનું ટાયર પંક્ચર થયા બાદ મુસાફરો બીજી બસમાં ચઢી રહ્યાં હતાં ત્યારે આ દુર્ઘટના ઘટી હોવાનું કહેવાઇ રહ્યું છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોરખપૂરથી એક બસ કુશીનગર થઇને પડરૌના તરફ જઇ રહી હતી. ત્યારે જ જગદીશપૂરના માલપૂર પાસે બસનું ટાયર પંકચર થયું હતું. બસ ડ્રાઇવર અને કંડક્ટર બસને રસ્તાની બાજુમાં ઊભી કરી મુસાફરોને બજી શિફ્ટ કરી રહ્યાં હતાં ત્યાં જ પૂર ઝડપે આવી રહેલ ડીસીએમ એ બસને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભીષણ હતી ચાર મુસાફરોનું ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે બે મુસાફરોનું સારવાર દરમીયાન મોત થયું હતું. મૃત્યુનો આંકડો હજી વધવાની શક્યતાઓ વર્તાઇ રહી છે.
આ બસમાં બે ભાઇ-બહેન પણ મુસાફરી કરી રહ્યાં હતાં. ભાઇ ઝાંસીમાંથી બીટેક કરી રહ્યો હતો જ્યારે બહેન રાયબરેલીથી બીટેક કરી રહી હતી. બંને જણ દિવાળી નિમેત્તે ઘરે જઇ રહ્યાં હતાં. આ અકસ્માતમાં ભાઇનું મોત થયું છે જ્યારે બહેનને ઇજા પહોંચી છે. આ અકસ્માતનો ભોગ બનેલા અનેક લોકો દિવાળી નિમિત્તે ઘરે જઇ રહ્યાં હોવાનું કહેવાઇ રહ્યું છે.