નવી દિલ્હી: વિશ્વની મહાન લોકશાહી એવું ભારત આજે તેનો 76મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે. google એ પણ આ ઉજવણીમાં ભાગ લીધો છે. google એ વન્યજીવના થીમ આધારિત વિવિધ પ્રાણીઓને ડુડલમાં દર્શાવ્યા છે.
આ પણ વાંચો : બાંકે બિહારી મંદિરમાં હવે વિદેશી ભક્તો પણ કરી શકશે છૂટા હાથે દાન; મળ્યું FCRA લાઇસન્સ
google નું આ ડુડલ ભારતના વૈવિધ્યસભર વન્યજીવનથી પ્રેરિત છે જેમાં ઉત્તરના બરફીલા હિમાલયથી લઈને દક્ષિણમાં પશ્ચિમ ઘાટના લીલાછમ વરસાદી જંગલો સુધીના વિવિધ પ્રદેશોનું પ્રતિનિધિત્વ કરતા પ્રાણીઓને દર્શાવવામાં આવ્યા છે.
આ ડુડલમાં પરંપરાગત લદાખી વસ્ત્રોમાં સજ્જ સ્નો ચિત્તો, ધોતી કુર્તા પહેરીને સંગીતના વાદ્યો સાથે વાઘ અને મોરનો સમાવેશ થાય છે. કાળિયાર અને ભારતના વિવિધ પ્રદેશોનું પ્રતિક એવા અન્ય પ્રાણીઓને પણ ડૂડલમાં દર્શાવવામાં આવ્યા છે. googleએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે આ ડૂડલ ભારતના 76 માં ગણતંત્ર દિવસની ઉજવણી કરે છે જે રાષ્ટ્રીય ગૌરવ અને એકતાનું પ્રતીક છે.
આ ડુડલના રચયિતા રોહન દાહોત્રેએ જણાવ્યું હતું કે, ‘ભારત માટે પ્રજાસત્તાક દિવસ ઘણું જ મહત્વ ધરાવે છે જે દરેક ભારતીયોમાં દેશભક્તિની ભાવના પણ પ્રજ્વલિત કરે છે. ભારત તેની અકલ્પનીય વિવિધતાઓ સાથે અસંખ્ય ભાષાઓ સંસ્કૃતિ અને પરંપરા સાથે પોતાનામાં જ એક અલગ વિશ્વ જેવું છે.
નોંધનીય છે કે આ વર્ષને પ્રજાસત્તાક દિવસના પરેડની થીમ સ્વર્ણિમ ભારત: વિરાસત અને વિકાસ’ છે જે ભારતના વારસા અને પ્રગતિ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
નવી દિલ્હીમાં આજે કર્તવ્ય પથ પર વાર્ષિક ગણતંત્ર દિવસની પરેડ દર્શાવવામાં આવશે જે ભારતની લશ્કરી ક્ષમતાઓ અને સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરશે. વિવિધ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઝાંખીઓ આ પરેડમાં રજૂ કરવામાં આવશે. મધ્યપ્રદેશની ઝાંખીમાં પ્રોજેક્ટ ચિત્તા અને કુનો નેશનલ પાર્કને દર્શાવવામાં આવશે.
આ પણ વાંચો : કાશ્મીરમાં કૌતુક ! દુનિયાના સૌથી ઊંચા પુલ પરથી પસાર થઈ વંદે ભારત ટ્રેન
ભારત પરંપરાગત રીતે દર વર્ષે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરે છે અને આ ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે વિદેશી મહાનુભાવને આમંત્રણ આપે છે 2024 ના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને હાજરી આપી હતી, જ્યારે 2023 ના પ્રજાસત્તાક દિનની ઉજવણીમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ-સીસી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા.