નવી દિલ્હીઃ ભારતીય રેલવેએ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લઈને મોટા સમાચાર આપ્યા છે. ટૂંકા અંતરની વંદે ભારત મેટ્રો હવે જુલાઈમાં શરૂ થવા જઈ રહી છે. આ સિવાય વંદે ભારત સ્લીપર ટ્રેનનું ટ્રાયલ પણ આવતા મહિનાથી શરૂ થશે. રિપોર્ટ અનુસાર વંદે ભારત મેટ્રો ટ્રેન 100 થી 250 કિલોમીટરનું અંતર કાપશે. જો આપણે વંદે ભારત સ્લીપર ટ્રેનની વાત કરીએ તો તે 1,000 કિલોમીટરનું અંતર કાપશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વંદે ભારત મેટ્રો ટ્રેન લગભગ 124 શહેરોમાં પહોંચશે. આ માટેના કેટલાક માર્ગોની ઓળખ કરી લેવામાં આવી છે જેમાં લખનૌ-કાનપુર, આગરા-મથુરા, દિલ્હી-રેવાડી, ભુવનેશ્વર-બાલાસર અને તિરૂપતિ-ચેન્નાઈ નો સમાવેશ થાય છે.
આ એસી ટ્રેનોમાં મુસાફરોની સુવિધાનું સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવશે. વધુને વધુ લોકોને અનરિઝર્વ્ડ કેટેગરીમાં મુસાફરી કરવાની તક આપવામાં આવશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે આ ટ્રેનોમાં સારી સંખ્યામાં સ્ટોપેજ પણ હશે અને તે એવા સ્થળોએ બનાવવામાં આવશે જ્યાં મોટાભાગના લોકો સરળતાથી પહોંચી શકે. આ વંદે ભારત મેટ્રો ટ્રેનમાં 12 કોચ હશે અને એના દરવાજા સીટો તરફ હશે જે આપોઆપ કામ કરશે. તેમાં ઘણા મુસાફરોને ઉભા રહેવાની પણ જગ્યા હશે અને જો જરૂર પડશે તો કોચની સંખ્યા વધારીને 16 પણ કરી શકાય છે.
મુંબઈ લોકલ ટ્રેનની વાત કરીએ તો આગામી ત્રણ-ચાર વર્ષમાં વંદે ભારત મેટ્રો ટ્રેનના સેટ મુંબઈમાં આવી જશે અને મુંબઈની લોકલ ટ્રેનોને બદલે વંદે ભારત મેટ્રો ટ્રેન સેવા આપતી થઈ જશે. મુંબઈના નિયમિત મુસાફરોને મેટ્રોની તર્જ પર જ ઓટોમેટિક ગેટ સાથે એસી અને સલામત સુવિધાઓ મળશે.
કપૂરથલામાં રેલ કોચ ફેક્ટરીમાં વંદે ભારત મેટ્રો ટ્રેનનું પહેલો રેક લગભગ તૈયાર છે અને તેનું આવતે મહિને પરીક્ષણ કરવામાં આવશે. વંદે ભારત મેટ્રોના 50 રેટ ના નિર્માણ બાદ વધુ 400 કોચ બનાવવાનો ઓર્ડર આપવામાં આવશે. વંદે ભારત મેટ્રો દેશના 12 મોટા અને મધ્યમ શહેરો વચ્ચે દૈનિક મુસાફરીની સુવિધા પૂરી પાડશે. તે ખૂબ જ ઝડપી ટ્રેન હશે જે 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ સાથે બે મુખ્ય સ્ટેશનો વચ્ચે પ્રવાસ કરાવશે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને