કૈલાશ માનસરોવર યાત્રા માટે આવ્યા સારા સમાચાર; વિદેશ મંત્રાલયે આપી મોટી અપડેટ

નવી દિલ્હી: ભારત અને ચીન વચ્ચેના સંબધોની તણાવભરી સ્થિતિની વચ્ચે કૈલાશ માનસરોવર યાત્રાને લઈને એક સારા સમાચાર મળી રહ્યા છે. વિદેશ મંત્રાલયની તરફથી માહિતી આપવામાં આવી હતી કે ટૂંક જ સમયમાં આ અંગે નોટિસ જાહેર કરવામાં આવશે. કોરોના મહામારી બાદ છેલ્લા પાંચ વર્ષથી બંધ થેલી યાત્રાની ફરીથી શરૂઆત થઈ શકે છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે આ માહિતી આપી હતી.
ટૂંક સમયમાં જારી કરશે નોટિસ
પ્રાપ્ત વિગતો અનુસાર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પ્રેસ કોન્ફરન્સમાં આ માહિતી આપી હતી. તેમણે કહ્યું, અમે ટૂંક સમયમાં કૈલાસ માનસરોવર યાત્રા પર નોટિસ જારી કરીશું. આ યાત્રા ટૂંક સમયમાં શરૂ થવાની શક્યતા છે. વિદેશ મંત્રાલય દ્વારા જે કંઈ કહેવામાં આવ્યું છે તે ભારત અને ચીન વચ્ચેના સુધરતા સંબંધોને પણ પ્રતિબિંબિત કરે છે.
આ પણ વાંચો: કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
આ જ વર્ષે શક્ય બનશે માનસરોવર યાત્રા
એક પત્રકારે તેમને પૂછ્યું હતું કે તે ક્યારે શક્ય બનશે. આ અંગે રણધીર જયસ્વાલે કહ્યું, ‘કૈલાશ માનસરોવર યાત્રા આ વર્ષે થશે, અને અમે તેની તૈયારી કરી રહ્યા છીએ. જેનો અર્થ એ છે કે સરકાર આ યાત્રા ફરી શરૂ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. જાન્યુઆરીમાં ભારત અને ચીને મુસાફરી ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. બંને દેશો સીધી ફ્લાઇટ સેવાઓ શરૂ કરવા માટે પણ સંમત થયા છે અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રી અને ચીનના નાયબ વિદેશ પ્રધાન સન વેઈડોંગ વચ્ચેની વાતચીત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કોરોનાકાળથી બંધ છે યાત્રા
કોરોના મહામારીના સમયથી એટલે કે 2020થી પવિત્ર કૈલાશ માનસરોવર યાત્રા બંધ છે. કોવિડ-19 અને ચીન દ્વારા મુસાફરીની વ્યવસ્થા ન કરવાને કારણે છેલ્લા કેટલાક વર્ષોથી આ યાત્રા શક્ય બની શકી નહોતી. ફેબ્રુઆરીમાં G20 વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન, વિદેશ મંત્રી એસ જયશંકર અને ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ પણ આ મુદ્દા પર ચર્ચા કરી હતી. તેમણે બંને દેશો વચ્ચેના સંબંધો, સરહદ પર શાંતિ જાળવવા અને કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ કરવા અંગે ચર્ચા કરી હતી.
સીધી ફ્લાઇટ્સ શરૂ થવાના સંકેત
પત્રકાર પરિષદમાં એક પ્રશ્નના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ પણ ટૂંક સમયમાં શરૂ થશે. તેમણે કહ્યું, સૈદ્ધાંતિક રીતે બંને દેશો ફ્લાઇટ કામગીરી ફરી શરૂ કરવા માટે સંમત થયા છે. બંને દેશોની ટેકનિકલ ટીમો ફ્લાઇટ સેવાઓ ફરી શરૂ કરવા માટે ટેકનિકલ વ્યવસ્થાઓ પર નજર રાખી રહી છે. બંને નાગરિક હવાઈ પ્રાધિરકણના સત્તાવાળાઓને મળ્યા છે અને અપડેટેડ ફ્રેમવર્ક સહિત સંબંધિત પદ્ધતિઓ પર ચર્ચા કરી રહ્યા છે.