નેશનલ

ખેડૂતો માટે ખુશખબર : કેન્દ્ર સરકારે ખરીફ પાકોની MSPમાં કર્યો વધારો

નવી દિલ્હી: દેશમાં નવી ચૂંટાયેલ સરકારની પ્રાથમિકતા ખેડૂતો તરફની છે એ વાતને સાર્થક કરતાં એક પછી એક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય કેબિનેટે બુધવારે તેની બેઠકમાં મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે અને 14 ખરીફ પાકો પર ન્યૂનતમ ટેકાના ભાવ (MSP) વધારી દીધા છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી NDAની ત્રીજી વખતની સરકારે એ દિવસ પહેલા પણ ખેડૂતો માટે કિસાન સન્માન નિધિનો 17 મો હપ્તો જાહેર કરીને તેમની ખેડૂત પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

ખેડૂતોને તેમની પેદાશોના વ્યાજબી ભાવ આપવા માટે સરકાર દર વર્ષે MSP નક્કી કરે છે. આજે બુધવારે મળેલી કેબિનેટ બેઠક બાદ 2024-25 માટે નવા MSP દરો જાહેર કરવામાં આવ્યા છે. આજની બેઠક બાદ કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ડાંગરના MSPમાં પ્રતિ ક્વિન્ટલ 117 રૂપિયાનો વધારો થયો છે. હવે ખેડૂતો તેમના ડાંગરને 2300 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે વેચી શકશે. નવા MSP પર 2 લાખ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

આ અગાઉની પાક સીઝન કરતાં 35 હજાર કરોડ રૂપિયા વધુ હશે. 2004-14 ની સરખામણીએ નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન દરેક પાક પર વધુ ખરીદી કરવામાં આવી હતી. ઉત્પાદનની સુરક્ષાને લઈને ચિંતિત સરકારે પંચાયત સ્તરે બે લાખ નવા વેરહાઉસ બનાવવાનો નિર્ણય લીધો છે. વૈષ્ણવે કહ્યું કે ગયા વર્ષની સરખામણીમાં તેલીબિયાં અને કઠોળ માટે એમએસપીમાં મહત્તમ વધારો કરવાની ભલામણ કરવામાં આવી છે. ડાંગરના પાકની MSPમાં 117 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

કપાસની નવી MSP રૂ. 7,121 રહેશે, જ્યારે તેની અન્ય જાતની MSP 7,521 રૂપિયા હશે. પહેલાની MSP કરતા 501 રૂપિયા વધુ છે. તલનો ભાવ 632 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને તુવેર દાળ 550 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવ્યો છે જે ખેડૂતોને તેમના ઉત્પાદનના ખર્ચ કરતા દોઢ ગણો વધારે છે. કમીશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ એન્ડ પ્રાઈસની ભલામણ પર કેન્દ્ર અને રાજ્ય સરકારો બંને મળીને ચર્ચા બાદ આનો નિર્ણય કરે છે. હાલમાં કુલ 23 પાકોને MSPના દાયરામાં સામેલ કરવામાં આવ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button