
2000 રૂપિયાની ગુલાબી નોટ પરત કરવાની છેલ્લી તારીખ આવતીકાલે એટલે કે 7મી ઓક્ટોબર 2023ના રોજ સમાપ્ત થઈ રહી છે. અત્યાર સુધી ઘણા લોકોએ 2000 રૂપિયાની નોટ બદલી કે જમા કરાવી નથી. તમને જણાવી દઈએ કે ભારતીય રિઝર્વ બેંક (RBI) એ 29 મે 2023ના રોજ બજારમાંથી ગુલાબી નોટો પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. આ પછી, બેંકે તેને પરત કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર રાખી હતી, જે વધારીને 7 ઓક્ટોબર કરવામાં આવી હતી.
RBI અનુસાર, 2000ની 3.56 લાખ કરોડ રૂપિયાની નોટોમાંથી 12,000 કરોડ રૂપિયા હજુ પરત આવી નથી. તમને જણાવી દઈએ કે 7 ઓક્ટોબર પછી 2000 રૂપિયાની નોટો ફક્ત RBI ઓફિસમાં જ બદલી શકાશે. 8 ઓક્ટોબરથી બેંક શાખાઓમાં નોટો જમા કરાવવા અથવા બદલવાની સુવિધા બંધ થઈ જશે. આ પછી લોકોએ નોટો બદલવા માટે આરબીઆઈની હાલની 19 ઓફિસમાં જવું પડશે.
શુક્રવારે આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે અત્યાર સુધીમાં 2000 રૂપિયાની 87 ટકા નોટો બેંકમાં પાછી આવી ગઈ છે. અગાઉ તેમમે જણાવ્યું હતું કે સપ્ટેમ્બર સુધીમાં, 3.42 લાખ કરોડ રૂપિયાની નોટો રિઝર્વ બેંકને પરત કરવામાં આવી છે, જ્યારે તે સમયે 14,000 કરોડ રૂપિયાની નોટો પરત કરવાની બાકી છે. આ પછી સેન્ટ્રલ બેંકે નોટ પરત કરવાની સમય મર્યાદા એક સપ્તાહ વધારી દીધી હતી.