નેશનલવેપાર

લગ્નસરા વખતે સારા સમાચારઃ સોના-ચાંદીના ભાવ તૂટ્યા, વૈશ્વિક સોનું આઠ સપ્તાહના તળિયે

મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં અને અમેરિકી ૧૦ વર્ષીય બૉન્ડની ટ્રેઝરીની યિલ્ડમાં આગેકૂચ જળવાઈ રહેવાની સાથે આગામી અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિ કેવી હશે તેની અનિશ્ર્ચિતતા વચ્ચે આજે લંડન ખાતે હાજરમાં સોનાના ભાવ આઠ સપ્તાહના તળિયે પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ વધુ ૧.૮ ટકાનો ઘટાડો દર્શાવાઈ રહ્યો હતો. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે સોનાએ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૧૫થી ૧૫૨૧ના ઘટાડા સાથે રૂ. ૭૪,૦૦૦ની અને ચાદીએ કિલોદીઠ રૂ. ૨૬૪૪ના ઘટાડા સાથે રૂ. ૮૮,૦૦૦ની સપાટી ગુમાવી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની આક્રમક વેચવાલીના દબાણ સામે નવી લેવાલીનો અભાવ તેમ જ ઘટતી બજારે વધુ ભાવઘટાડાના આશાવાદે જ્વેલરી ઉત્પાદકો અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૨૬૪૪ના ઘટાડા સાથે ૮૭,૧૦૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વિશ્ર્વ બજાર પાછળ ભાવમાં ઘટાડાતરફી વલણ જળવાઈ રહેવાની સાથે સ્ટોકિસ્ટો અને રોકાણકારોનો નવી લેવાલીમાં નિરુત્સાહ તથા જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી પણ છૂટીછવાઈ રહેતાં ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૫૧૫ના ઘટાડા સાથે રૂ. ૭૩,૪૪૪ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૧૫૨૧ના ઘટાડા સાથે રૂ. ૭૩,૭૩૯ના મથાળે રહ્યા હતા.

જોકે, હવે લગ્નસરાની મોસમ શરૂ થઈ છે અને સોનાના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું હોવાથી માગ ખૂલવાનો આશાવાદ બજાર વર્તુળો મૂકી રહ્યા છે. હાલ વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અંદાજે એક વર્ષની ઊંચી સપાટીએ પ્રવર્તી રહ્યો છે તેમ જ અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ પણ ગત જુલાઈ પછીની ઊંચી સપાટી આસપાસ હોવાથી વૈશ્ર્વિક સોનામાં નવી લેવાલીમાં નિરુત્સાહ રહેતાં ભાવમાં પીછેહઠ જોવા મળી રહી છે. આજે લંડન ખાતે સત્રના આરંભે ભાવમાં ઘટાડો આગળ ધપતાં હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે વધુ ૧.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૪૬.૭૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. જોકે, આ પૂર્વે એક તબક્કે ભાવ ૧૮, સપ્ટેમ્બર પછીની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા. તેમ જ વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૪ ટકા ઘટીને ૨૫૫૧.૬૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૧.૮ ટકાના કડાકા સાથે ઔંસદીઠ ૨૯.૮૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

Also Read – Gold Price Today : સોનાના ભાવમાં સતત થઈ રહ્યો છે ઘટાડો , જાણો આજના લેટેસ્ટ ભાવ

દરમિયાન ગઈકાલે અમેરિકાના ઑક્ટોબર મહિનાના ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટામાં બજારની અપેક્ષાનુસાર સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. હાલમાં ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડની મજબૂતી સોનાના ભાવ દબાણ હેઠળ લાવી રહી હોવાનું કેપિટલ ડૉટ કૉમના વિશ્ર્લેષક ક્યેલ રોડ્ડાએ જણાવતાં ઉમેર્યું હતું કે ગઈકાલના ફુગાવાના ડેટાને ધ્યાનમાં લેતા ફેડરલ રિઝર્વ આગામી નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં ઘટાડો કરે પરંતુ આગામી વર્ષ ૨૦૨૫માં વ્યાજદરમાં ઘટાડાની ગતિ મંદ કરે તેવી શક્યતા નકારી ન શકાય.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button