નેશનલવેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં રૂ. ૧૦૦૮નો અને ચાંદીમાં રૂ. ૧૯૯૨નો કડાકો

શુક્રવારના કડાકા બાદ વૈશ્ર્વિક સોનામાં ટકેલું વલણ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકા ખાતે ગત મે મહિનામાં રોજગારોની સંખ્યામાં બજારની અપેક્ષા કરતાં વધુ વૃદ્ધિ થઈ હોવાના નિર્દેશો સાથે ગત શુક્રવારે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનાના ભાવમાં ત્રણ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો. જોકે, આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ટકેલું વલણ રહ્યું હતું અને વાયદામાં ભાવ વધુ ૦.૫ ટકા ઘટી આવ્યા હતા, જ્યારે હાજર ચાંદીમાં ઘટ્યા મથાળેથી ૧.૪ ટકાના સુધારા સાથે ભાવ ક્વૉટ થઈ રહ્યા હતા. આમ ગત શુક્રવારનાં નિરુત્સાહી અહેવાલો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૦૦૪થી ૧૦૦૮નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. ૧૯૯૨નો કડાકો બોલાઈ ગયો હતો.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સપ્તાહના આરંભે મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વિશ્ર્વ બજાર પાછળ સ્ટોકિસ્ટોની સટ્ટાકીય વેચવાલીનું દબાણ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી મર્યાદિત રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૯૯૨ના ઘટાડા સાથે રૂ. ૮૮,૫૪૩ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે સોનામાં પણ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે મધ્યસત્ર દરમિયાન ૯૯.૫ ટચ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ૧૦ ગ્રામદીઠ અનુક્રમે રૂ. ૧૦૦૪ના કડાકા સાથે રૂ. ૭૦,૬૨૧ અને રૂ. ૧૦૦૮ના કડાકા સાથે રૂ. ૭૦,૯૦૫ના મથાળે રહ્યા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૦ પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરમાં વધારો થવાથી વિશ્ર્વ બજારની સરખામણીમાં ભાવઘટાડો મર્યાદિત રહ્યો હતો.

જોકે, આજે ઘટતી બજારનાં માહોલમાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની લેવાલી નિરસ રહી હતી.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ સાંકડી વધઘટે અથડાઈને આગલા બંધ આસપાસ ઔંસદીઠ ૨૨૯૬.૧૭ ડૉલર આસપાસ ટકેલા રહ્યા હતા અને વાયદામાં ભાવ વધુ ૦.૫ ટકા ઘટીને ઔંસદીઠ ૨૩૧૩.૩૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ઘટ્યા મથાળેથી ૧.૪ ટકાના સુધારા સાથે ઔંસદીઠ ૨૯.૫૮ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

ગત સપ્તાહના અંતે ચીનની કેન્દ્રવર્તી બૅન્કની સોનામાં લેવાલી અટકવાનાં અહેવાલ ઉપરાંત અમેરિકાનાં મે મહિનાના રોજગારીના ડેટા મજબૂત આવતાં સોનામાં સાડાત્રણ વર્ષની સૌથી વધુ વેચવાલીનું દબાણ જોવા મળતા હાજર ભાવમાં ત્રણ ટકા જેટલું ગાબડું પડી ગયું હતું. અગાઉ સોનામાં મધ્યમ સમયગાળા દરમિયાન તેજીનું વલણ જોવા મળશે એવું ચિત્ર હવે ધૂંધળુ બન્યું હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક રિજિયનના વિશ્ર્લેષક કેલ્વિન વૉંગે જણાવતા ઉમેર્યું હતું કે જ્યાં સુધી આર્થિક ડેટા નબળા નહીં આવે ત્યાં સુધી ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા ન હોવાથી સોનામાં વેચવાલીનું દબાણ વધે તેવી શક્યતા નકારી ન શકાય.

જોકે, યુબીએસએ વર્ષ ૨૦૨૪માં ફેડરલ રિઝર્વ ત્રણ વખતને બદલે બે વખત જ વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે ફુગાવામાં વૃદ્ધિની ગતિ મંદ પડી રહી હોવાથી વ્યાજદરમાં પહેલી કપાત સપ્ટેમ્બરથી થાય તેમ જણાય છે.

જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button