નેશનલવેપાર

સોનાના ભાવમા સતત વધારો, અક્ષય તૃતીયા સુધી 10 ગ્રામનો ભાવ 1 લાખને પાર કરે તેવી શક્યતા

મુંબઇ : યુએસ ટેરિફ વોરના પગલે શેરબજારોમા વધેલી અનિશ્ચિતતાએ સોનાની માંગમા વધારો કર્યો છે. જેના લીધે સોનાના ભાવમા છેલ્લા અઠવાડિયાથી વધારો થઇ રહ્યો છે. ત્યારે આ વર્ષે 30 એપ્રિલના રોજ અક્ષય તૃતીયા આવે છે. આ દિવસે લોકો સોનાથી લઇને વાહનોની ખરીદી કરી છે. ત્યારે એવું અનુમાન છે કે સોનાનો 10 ગ્રામનો ભાવ 1 લાખ રૂપિયાને પાર કરી શકે છે.

સોનાના ભાવ પણ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા

આ દરમિયાન મંગળવારે દિલ્હીમાં સોનાના ભાવ 50 રૂપિયા વધીને 96,450 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તર પર પહોંચી ગયા હતા. જ્યારે નવી ઔદ્યોગિક માંગને કારણે ચાંદીના ભાવ 2,500 રૂપિયા વધીને 97,500 રૂપિયા પ્રતિ કિલો થયા. વૈશ્વિક સ્તરે સોનાના ભાવ પણ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે પહોંચી ગયા. સત્રની શરૂઆતમાં 3,266.65 ડોલર પ્રતિ ઔંસના રેકોર્ડ ઉચ્ચતમ સ્તરને સ્પર્શ્યા પછી હાજર સોનાના ભાવ 1.1 ટકા વધીને 3,261.79 ડોલર પ્રતિ ઔંસ થયા. યુએસ ગોલ્ડ ફ્યુચર્સ 1.2 ટકા વધીને 3279.20 ડોલર થયા.

સોનાનો ભાવ કેમ વધી રહ્યો છે?

નિષ્ણાતો કહે છે કે ડોલરના નબળા પડવા અને યુએસ વેપાર નીતિ પર સતત અનિશ્ચિતતાને કારણે સોનાના ભાવ સર્વકાલીન ઉચ્ચતમ સ્તરની નજીક સ્થિર રહ્યા છે. બુધવારે યુએસ ફેડરલ રિઝર્વના વડા જેરોમ પોવેલની આગામી પ્રેસ કોન્ફરન્સ પર બધાની નજર રહેશે, કારણ કે રોકાણકારો વેપાર તણાવ વધે અથવા આર્થિક સ્થિતિ નબળી પડે તો સેન્ટ્રલ બેંક કેવી પ્રતિક્રિયા આપી શકે તે અંગે સંકેતો શોધી રહ્યા છે.

ચીને સોનાના ભંડારમાં નવો રેકોર્ડ બનાવ્યો

ચીનની સેન્ટ્રલ બેંકે માર્ચમાં વધુ ત્રણ ટન સોનું ખરીદ્યું. આનાથી ચીનનો કુલ સોનાનો ભંડાર 2,292 ટન થઈ ગયો છે, જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. આ વર્ષે અત્યાર સુધીમાં ચીને 13 ટન સોનું ખરીદ્યું છે. ચીન સતત પાંચમા મહિને તેના સોનાના ભંડારમાં વધારો કરી રહ્યું છે. ગયા વર્ષે ખરીદી પર છ મહિનાના પ્રતિબંધ પછી નવેમ્બરથી ખરીદી ફરી શરૂ થઈ હતી.

આપણ વાંચો:  ‘નિર્ણય ચીને લેવાનો છે’ ટેરીફ મુદ્દે ટ્રમ્પ મક્કમ, ટ્રેડવોર વધુ તીવ્ર બનશે?

આર્થિક મંદીના ભયના કારણે સોનામાં વિશ્વાસ વધ્યો

નિષ્ણાતો કહે છે કે ડોલર સામે ચીનના કુલ વિદેશી હૂંડિયામણ ભંડારમાં સોનાનો હિસ્સો હવે વધીને 6.5 ટકા થઈ ગયો છે. જે ગયા મહિને 6 ટકા અને એક વર્ષ પહેલા 4.6 ટકા હતો. એકંદરે વિશ્વની પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ચીન તેના ભંડારને મજબૂત બનાવી રહ્યું છે. ત્યારે પોલેન્ડ ઝડપથી સોનું એકઠું કરીને એક નવી શક્તિ બની રહ્યું છે. બીજી બાજુ આર્થિક કટોકટીની શરૂઆત સાથે રોકાણકારો અને દેશો બંનેએ ફરીથી સોનાને વિશ્વસનીય સાથી તરીકે માનવું શરૂ કર્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button