નેશનલવેપાર

વિશ્વ બજાર પાછળ સોનામાં વધુ રૂ. 355નો અને ચાંદીમાં રૂ. 297નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાના ડેટાની વર્તમાન સપ્તાહે થનારી જાહેરાત અને ફેડરલના અધિકારીઓની ટિપ્પણી પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોના અને ચાંદીના ભાવમાં પીછેહઠ જળવાઈ રહી હોવાના નિર્દેશો સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 353થી 355નો ઘટાડો આગળ વધ્યો હતો, જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ.77,000ની અંદર ઉતરી ગયા હતા, જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 297 ઘટીને ફરી રૂ. 91,000ની સપાટીની અંદર ઉતરી ગયા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન મુખ્યત્વે સોનામાં વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નફારૂપી વેચવાલી અને વધુ ભાવઘટાડાના આશાવાદે નવી લેવાલીનો અભાવ રહ્યો હતો. તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ ખપપૂરતી રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 353 ઘટીને રૂ. 76,719 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 355 ઘટીને રૂ. 77,027ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની વેચવાલીનું દબાણ અને ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી પણ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. 297ના ઘટાડા સાથે રૂ. 90,833ના મથાળે રહ્યા હતા.

વર્તમાન સપ્તાહે અમેરિકાના અમેરિકાના ક્નઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ સહિતના આર્થિક ડેટાઓની જાહેરાત તેમ જ ફેડરલ રિઝર્વના અધિકારીઓની અપેક્ષિત ટિપ્પણીઓને ધ્યાનમાં લેતા આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે હાજરમાં સોનાના ભાવ આગલા બંધ સામે 0.5 ટકા ઘટીને આૈંસદીઠ 2670.37 ડૉલર અને વાયદામાં ભાવ 0.7 ટકા ઘટીને 2677 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ આગલા બંધ સામે 0.3 ટકા ઘટીને આૈંસદીઠ 31.21 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

અગાઉ અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીના પરિણામોની અનિશ્ચિતતા વચ્ચે રોકાણકારોની સોનામા હેજરૂપી માગને ટેકે ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, ચૂંટણીમાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પ વિજયી નિવડતા ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ ઉપરાંત ભવિષ્યની તેમની વેપાર અને વેરા અંગેની નીતિ તેમ જ ફેડરલ રિઝર્વ હળવી નાણાનીતિ જાળવી રાખશે કે કેમ તેની ચિંતા સપાટી પર આવતા સોનામાં વેચવાલીનું દબાણ રહેતાં સોનાચાંદીમાં પીછેહઠ જોવા મળી હતી. તેમ જ ગત સપ્તાહે સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે પાંચ મહિનાનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હોવાનું આઈજી માર્કેટના સ્ટ્રેટેજિસ્ટ યીપ જૂન રૉન્ગે જણાવ્યું હતું.

વધુમાં ગત સપ્તાહે ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ભવિષ્યમાં વ્યાજદરમાં કપાતમાં સાવચેતીનું વલણ અપનાવવામાં આવે તેવ સંકેત આપ્યો હોવાથી પણ રોકાણકારોની નજર અમેરિકાના નવા પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પની વેપાર અને વેરાની નીતિઓ પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જોકે, હાલમાં સીએમઈ ફેડ વૉચ ટૂલ પર ફેડરલ રિઝર્વ આગામી ડિસેમ્બર મહિનાની બેઠકમાં વ્યાજદરમાં 25 બેસસ પૉઈન્ટનો કાપ મૂકે તેવી 65 ટકા શક્યતા ટ્રેડરો મૂકી રહ્યા છે, જ્યારે 35 ટકા ટ્રેડરોનું માનવું છે કે વ્યાજદર યથાવત્‌‍ રાખવામાં આવશે.

દરમિયાન ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકામાં ક્નઝયુમર પ્રાઈસમાં ચાર મહિનાની ધીમી ગતિએ વૃદ્ધિ થઈ હોવાના અહેવાલ હતા. તેમ જ ચીને આર્થિક વૃદ્ધિ માટે બમણું સ્ટિમ્યુલસ પેકેજ આપ્યું હોવા છતાં પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડિફ્લેશનમાં વધુ ઘટાડો જોવા મળ્યો હોવાના અહેવાલ હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button