નેશનલવેપાર

ડૉલર ઈન્ડેક્સ મજબૂત થતા સોનાએે ચળકાટ ગુમાવ્યો:

લગ્નસરાની માગ ખૂલવાનો આશાવાદ

કોમોડિટી -રમેશ ગોહિલ

મુંબઈ: ગત પાંચમી નવેમ્બરના રોજ અમેરિકાની ચૂંટણીના પરિણામો જાહેર થતાં રિપબ્લિકન પક્ષના ઉમેદવાર ડૉનલ્ડ ટ્રમ્પનો વિજય થતાં આંતરરાષ્ટ્રીય બજારમાં ખાસ કરીને નવાં પ્રમુખની વેપાર અને વેરાની નીતિઓ ફુગાવાલક્ષી હોવાની શક્યતા પ્રબળ બનતા ડૉલર ઈન્ડેક્સ તથા અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઉછાળો આવ્યો હતો. તેમ જ ફુગાવાલક્ષી નીતિને કારણે ફુગાવામાં અપેક્ષિત વૃદ્ધિને ધ્યાનમાં લેતા અમેરિકી ફેડરલ રિઝર્વ ભવિષ્યમાં વ્યાજદરમાં કાપ મૂકવામાં ધીમું વલણ અખત્યાર કરે તેમ જણાતા સોનાએ ચળકાટ ગુમાવ્યો હતો.

ગત સપ્તાહે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ જળવાઈ રહેતાં સાપ્તાહિક ધોરણે એક મહિનાનો સૌથી મોટો ઉછાળો જોવા મળ્યો હતો. ગત સપ્તાહના અંતે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ આગલા દિવસના બંધ સામે ૦.૧ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૬૧.૨૧ ડૉલર અને ડિસેમ્બર વાયદામાં ભાવ ૦.૩ ટકા ઘટીને ઔંસદીઠ ૨૫૬૬.૩૫ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમજ વૈશ્ર્વિક સોનાના હાજર ભાવમાં સાપ્તાહિક ધોરણે ત્રણ વર્ષનો સૌથી મોટો ચાર ટકાથી વધુ માત્રામાં ઘટાડો જોવા મળ્યો હતો.

આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં ગાબડાં પડ્યા હતા. જોકે, ગત સપ્તાહના અંતે શુક્રવારે ગુરુ નાનક જયંતીની જાહેર રજાને કારણે સ્થાનિકમાં કામકાજના માત્ર ચાર સત્રમાં જ ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવમાં સાપ્તાહિક ધોરણે ૧૦ ગ્રામદીઠ રૂ. ૩૬૪૩નો અથવા તો ૪.૭ ટકા જેટલો કડાકો બોલાઈ ગયો હતો.

ઈન્ડિયા બુલિયન ઍન્ડ જ્વેલર્સ એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર ગત સપ્તાહના આરંભે હાજરમાં ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના વેરા રહિતના ભાવ આગલા સપ્તાહના અંત અથવા તો ગત આઠમી નવેમ્બરના ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૭,૩૮૨ના બંધ સામે નરમાઈના અન્ડરટોને રૂ. ૭૭,૦૨૭ની સપાટીએ ખૂલ્યા બાદ સપ્તાહ દરમિયાન ઉપરમાં ખૂલતી જ રૂ. ૭૭,૦૨૭ની સપાટી અને નીચામાં રૂ. ૭૩,૭૩૯ની સપાટીએ જ બંધ રહ્યા હતા. આમ સપ્તાહ દરમિયાન ૪.૭ ટકા અથવા તો રૂ. ૩૬૪૩નો ઘટાડો નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ગત શુક્રવારે સરકારે સોનાની ડ્યૂટી માટે બૅન્ચમાર્ક ગણાતા ભાવ અથવા તો ટેરિફ વૅલ્યુ જે અગાઉ ૧૦ ગ્રામદીઠ ૮૯૧ ડૉલર હતી તે ઘટાડીને ૮૩૭ નિર્ધારિત કરતાં હવે સોનાની અસરકારક જકાતમાં પણ નોંધપાત્ર ઘટાડો થશે. એકંદરે દશેરા, ધનતેરસ અને દિવાળીના તહેવારો દરમિયાન ભાવ ઊંચી સપાટીએ રહ્યા હોવાથી અપેક્ષિત માગનો વસવસો રહ્યો હતો, પરંતુ હવે લગ્નસરાની મોસમ શરૂ થવાની સાથે સોનાના ભાવમાં પણ ઘટાડાતરફી વલણ રહેતાં ગત સપ્તાહે દેશમાં ઘરાકીનો સળવળાટ જોવા મળતાં ડીલરો સ્થાનિકમાં સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની સરખામણીમાં ઔંસદીઠ ૧૬ ડૉલર પ્રીમિયમમાં ઓફર કરી રહ્યાના અહેવાલ હતા, આ પૂર્વેના સપ્તાહે ડીલરો ઔંસદીઠ ત્રણ ડૉલર પ્રીમિયમમાં ઓફર કરી રહ્યા હતા.

હૈદરાબાદ સ્થિત એક જવેલરે જણાવ્યું હતું કે હજુ ઘણાં ગ્રાહકો ભાવમાં વધુ ઘટાડાની રાહ જોઈને બેઠા છે અને જો ભાવમાં વધુ ઘટાડો આગળ ધપશે તો નિ:શંકપણે લગ્નસરાની મોસમમાં વૉલ્યુમમાં પણ વૃદ્ધિ જોવા મળશે. વધુમાં મુંબઈ સ્થિત એક જ્વેલરે જણાવ્યું હતું કે ગત દશેરા, ધનતેરસ અને દિવાળીની માગ પશ્ર્ચાત્ હવે જ્વેલરો પણ નવો સ્ટોક કરી રહ્યા છે. જોકે, ગત સપ્તાહે સોનાના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીન ખાતે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ઊંચા વ્યાજદરને ધ્યાનમાં લેતા સોનામાં માગ શુષ્ક રહેતા ચીનમાં ડીલરો સોનાના ભાવ વૈશ્ર્વિક ભાવની તુલનામાં ઔંસદીઠ ૧૦થી ૧૩ ડૉલર આસપાસના ડિસ્કાઉન્ટમાં ઑફર કરી રહ્યા હોવાનું હૉંગકૉંગ સ્થિત વિન્ગ ફંગ પ્રીસિયસ મેટલ્સના ડીલિંગ વિભાગના હેડ પીટર ફંગે જણાવ્યું હતું.

ગત સપ્તાહે અમેરિકાનાં ક્ધઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સમાં અપેક્ષાનુસાર વૃદ્ધિ જોવા મળી હતી, પરંતુ ત્રણ મહિનાના કોર ઈન્ડેક્સમાં અપેક્ષાથી વધુ વૃદ્ધિ જોવા મળી હતી. તેમ જ અમેરિકી ફેડરલ રિઝર્વ આગામી ૧૭-૧૮ ડિસેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવી શક્યતા પ્રબળ બની હતી. તેમ છતાં સપ્તાહ દરમિયાન ડૉલર ઈન્ડકક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેવાની સાથે ટ્રમ્પના શાસનકાળમાં ફુગાવાલક્ષી નીતિ જોવા મળતા અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની ગતિ મંદ પાડે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા વૈશ્ર્વિક સોનામાં ટ્રેડરો અને રોકાણકારોની વેચવાલીનું દબાણ પ્રબળ રહ્યું હોવાથી ભાવમાં સાપ્તાહિક ધોરણે ચાર ટકા કરતાં વધુ માત્રામાં ઘટાડો જોવા મળ્યો હોવાનું એસએમસી ઈન્વેસ્ટમેન્ટ્સ ઍન્ડ ઍડ્વાઈઝર્સના વિશ્ર્લેષકે જણાવ્યું હતું.

જોકે, હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા આગામી સપ્તાહ દરમિયાન સોનાના વૈશ્ર્વિક ભાવ ઔંસદીઠ ૨૪૬૦થી ૨૫૯૦ આસપાસની રેન્જમાં અથડાતા રહેવાની અને સ્થિનિકમાં સોનાના ઓનલાઈન વાયદામાં ભાવ માટે ૧૦ ગ્રામદીઠ રૂ. ૭૨,૨૦૦ની સપાટી મહત્ત્વની ટેકાની અને રૂ. ૭૪,૫૦૦ની સપાટી મહત્ત્વની પ્રતિકારક સપાટી પુરવાર થાય તેવી શક્યતા તેમણે વ્યક્ત કરી હતી.

ગત ઑક્ટોબર મહિનામાં અમેરિકાના રિટેલ વેચાણના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ડૉલર ઈન્ડેક્સ અને ટ્રેઝરીની યિલ્ડ વધી આવવાની સાથે હવે તમામ ટૂંકાગાળાની અનિશ્ર્ચિતતાનો અંત આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા છે અને હવે સોનાના ભાવમાં વધઘટ મૂળભૂત પરિબળોને આધિન જોવા મળશે, એમ એલિગિયન્સ ગોલ્ડના ચીફ ઓપરેટિંગ ઑફિસર એલેક્સ એબકરિમે જણાવ્યું હતું. જોકે, અર્થશાસ્ત્રીઓનું પણ માનવું છે કે નવાં અમેરિકી પ્રમુખની નીતિઓ ફુગાવાલક્ષી રહેતા ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની ગતિ ધીમી પાડશે.

Also Read – ડૉલર સામે રૂપિયો કેમ સતત ગગડી રહ્યો છે? જાણો શું છે કારણ

એકંદરે હાલમાં ડૉનલ્ડ ટ્રમ્પનાં વિજયની સોનાના ભાવ પર નકારાત્મક અસર પડી છે, પરંતુ જો આગામી મધ્યમ સમયગાળા દરમિયાન અનિશ્ર્ચિતતાનો માહોલ સર્જાશે તો પુન: સોનાના ભાવમાં તેજીનો અન્ડરટોન જોવા મળે તેવી શક્યતા કિનેસિસ મની માર્કેટના એનાલિસ્ટ કાર્લો અલ્બર્ટો ડી કાસાએ વ્યક્ત કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના બેરોજગારીના ડેટા, અમેરિકાના ઉત્પાદનના ડેટા, હોમ સેલના ડેટા, જર્મનીના જીડીપીના ડેટા, યુરોઝોનના સીપીઆઈના ડેટા ઉપરાંત વિવિઘ ફેડનાં અધિકારીઓની ટિપ્પણીઓ પર સ્થિર થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button