(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકા ખાતે ગઈકાલે બજાર થેન્ક્સ ગિવિંગ ડે નિમિત્તે સત્તાવાર ધોરણે બંધ રહી હતી, જ્યારે આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતાં સોના અને ચાંદીના ભાવમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યાં સુધીમાં વર્તમાન નવેમ્બર મહિનામાં માસિક ધોરણે સોનાના ભાવમાં 14 મહિનાનો સૌથી મોટો ત્રણ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.
વધુમાં આજે સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 1346ની અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 450થી 451ની આગેકૂચ જોવા મળી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો અને જ્વેલરી ઉત્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 1346ની તેજી સાથે ફરી રૂ. 89,000ની સપાટી પાર કરીને રૂ. 89,250ના મથાળે રહ્યા હતા. તે જ પ્રમાણે સોનામાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલે ભાવમાં સુધારાતરફી વલણ રહેતાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના 10 ગ્રામદીઠ રૂ. 450 વધીને રૂ. 76,431 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 451 વધીને રૂ. 76,738ના મથાળે રહ્યા હતા. જોકે, વધ્યા મથાળેથી સ્ટોકિસ્ટો, રોકાણકારો અને જ્વેલરી ઉત્પાદકોની લેવાલી ખપપૂરતી રહી હતી, જ્યારે રિટેલ સ્તરમાં ખાસ કરીને લગ્નસરાની મોસમની માગ જળવાઈ રહી હતી.
દરમિયાન ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ વિરામના ભંગના આક્ષેપો વચ્ચે ઈઝરાયલી સેનાએ ગઈકાલે દક્ષિણ લેબેનોનમાં હિઝબુલ્લાહ દ્વારા વાપરવામાં આવા મધ્યમ રેન્જનાં રોકેટના સ્ટોર પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું હોવાથી તેમ જ રશિયાએ યુક્રેનના એનર્જીના માળખા પર બીજો મોટો હુમલો કર્યો હોવાના અહેવાલ તથા ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.8 ટકા વધીને અનુક્રમે આૈંસદીઠ 2661.14 ડૉલર અને 2660.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 1.3 ટકા વધીને આૈંસદીઠ 30.66 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
આંતરરાષ્ટ્રીય સ્તરે વધી રહેલા રાજકીય-ભૌગોલિક તણાવ વધવાની સાથે ડૉલર નબળો પડતાં સોનામાં સુધારાને ટેકો મળી રહ્યો હોવાનું સિંગાપોર સ્થિત ગોલ્ડ સિલ્વર સેન્ટ્રલ મેનેજિંગ ડિરેક્ટર બિઆન લાને જણાવતા ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો આવતા સોનામાં સુધારાને ટેકો મળ્યો હોવા છતાં એકંદરે માસિક ધોરણે સોનાના ભાવ ત્રણ ટકા જેટલાં દબાણ હેઠળ જ રહ્યા છે.
Also Read – વિશ્વ બજારમાં ટકેલું વલણ છતાં સ્થાનિક સોનામાં રૂ. 259નો અને ચાંદીમાં રૂ. 1233નો ઘટાડો
જોકે, ઘણાં અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ટ્રમ્પની ટેરિફ યોજના ફુગાવાલક્ષી હોવાની શક્યતાને ધ્યાનમાં લેતા આગામી વર્ષ 2025માં અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડાની ગતિ મંદ પાડશે. તે જ પ્રમાણે બીએમઆઈએ એક નોટ્સમાં જણાવ્યું છે કે વર્ષ 2025માં ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાત માટે સાવચેતીનો અભિગમ અપનાવે તેવી શક્યતા હોવાથી વ્યાજ સંવેદનશીલ સોનાના ભાવમાં ચંચળતાનું વલણ જોવા મળે તેવી શક્યતા વધુ છે.