સોલો ટ્રીપ પર ગોવા જઇ રહ્યા છો? આટલી વાતોનું ધ્યાન રાખો તો નહિ પડે તકલીફ
નવરાત્રિ બાદ દિવાળી અને દિવાળી બાદ ક્રિસમસ-ન્યુયર. આ તહેવારોની રજાઓ માટે લોકો આખું વર્ષ રાહ જોતા હોય છે અને પ્રોપર પ્લાનિંગ સાથે તમામ અનુભવોની મજા માણતા હોય છે. ગોવા જેવી જગ્યાએ પરિવાર કે મિત્રો સાથે ફરવા જવું એમાં અને એકલા ફરવા જવું- એ બંને બાબતોમાં ઘણો ફરક છે. આમ પણ ગોવા હવે એ જગ્યા નથી રહી જે “દિલ ચાહતા હે” ફિલ્મમાં તમે જોઇ હતી. જ્યારે એકલા ફરવા જઇ રહ્યા હોવ ત્યારે ગોવા જેવા સ્થળોએ અમુક બાબતોનો ખાસ ખ્યાલ રાખવો જરૂરી છે. જેનું ધ્યાન ન રાખો તો રજાની મજા સજામાં ફેરવાઇ શકે છે.
ગોવાની અંદર ફરવા માટે લોકો સ્કૂટર ભાડે લેતા હોય છે. જો કે સ્કૂટરની નંબર પ્લેટ ચેક કરવી જરૂરી છે. સફેદ નંબર પ્લેટવાળું સ્કૂટર ન ખરીદો. હંમેશા પીળી નંબર પ્લેટવાળું સ્કૂટર ભાડે રાખો. નહીં તો ટ્રાફિક પોલીસ તમને વારંવાર રોકશે.
બારમાં ક્યારેય દારૂ ન પીવો. અહીં યુવતીઓને બારના લોકો ખૂબ લૂંટે છે. તે તમને બિયર પીવા માટે કહેશે અને પછી એક પછી એક તમે એટલો બધો દારૂ પીશો કે તે તમારી પાસેથી પૈસા ખાલી કરાવી જશે. આથી પીવો તો એવી જગ્યાએ કે જ્યાંથી હોટલ નજીક હોય જેથી તમે હોટલ સ્ટાફને બોલાવી શકો.
કેટલાક બીચ એવા છે જ્યાં લોકો ન્યૂડ રહે છે. પરંતુ ભારતીયોને અહીં જવા પર પ્રતિબંધ છે. જો કોઈ તમારી પાસેથી પૈસા માંગે છે અને કહે છે કે તે તમને આ બીચ પર એન્ટ્રી અપાવી દેશે, તો તે એક કૌભાંડ છે.
ગોવાના દરિયાકિનારા પર કચરો ફેલાવવો તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આ કારણે તમારે દંડ ભરવો પડી શકે છે.
જો તમે ગોવા ક્રુઝ પર જવા માંગતા હોવ તો તેનું અચૂકપણે ઓનલાઈન બુકિંગ કરો. જો ન કરો તો તમને સીટ નહીં મળે અથવા ટિકિટની કિંમત ઘણી વધારે હશે.
રાત્રે એકલા બીચ પર ફરવું એ બિલકુલ સલામત નથી. તેમજ અજાણી પાર્ટીમાં નશાકારક પદાર્થોનું સેવન થતું હોય છે તેવી જગ્યાઓ પર પણ જવું જોખમભર્યું બની શકે છે.