બેંગલૂરુઃ સર્વિસ એપાર્ટમેન્ટમાં કથિત રીતે તેના ચાર વર્ષના પુત્ર ચિન્મયની હત્યા કરવાના આરોપમાં ગોવામાં ધરપકડ કરાયેલ સુચના સેઠને લઈને અત્યાર સુધીમાં ઘણા ખુલાસા થયા છે. અત્યાર સુધીમાં ઘણી ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે. પોલીસ પાસે એક પત્ર, કફ સિરપ, સીસીટીવી ફૂટેજ અને હોટલમાં લોહીના નિશાન જેવા પુરાવા છે જેના આધારે તેઓ હત્યાના દરેક સત્યને ઉજાગર કરી રહ્યા છે.
સરકારી હોસ્પિટલના ઈન્ચાર્જ ડોક્ટરે હત્યાની પદ્ધતિ વિશે જણાવ્યું છે. તેમણે કહ્યું હતું કે માસૂમ બાળકનું ગળું દબાવવા માટે તકિયા કે ટુવાલનો ઉપયોગ કરવામાં આવ્યો હોઈ શકે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે છોકરાના શરીર પર કોઈ લોહી નથી મળ્યું. ગળુ દબાવવાને કારણે તેના ચહેરા પરની નસો ઉભરી આવી છે.
પોલીસ ઈન્સ્પેક્ટરે જ્યારે સુચનાને કારમાંથી નીચે ઉતરવાનું કહ્યું કે ત્યારે તેના ચહેરા પર કોઈ ગભરાટ ન હતો. સુચના જેવી કારની બહાર નીકળી કે તરત પોલીસે ડ્રાઈવર ડિસોઝાને કારની ડિક્કી ખોલવા કહ્યું અને ડિક્કીમાંથી લાલ રંગની ટ્રોલી બેગ બહાર કાઢવામાં આવી. સુચનાની નજર સામે બેગ ખૂલી રહી હતી. પણ તેના ચહેરા પર કોઈ ભાવ નહોતા. તે લાગણીશૂન્ય બનીને જોઇ રહી હતી.
બેગ ખોલીને ઉપરના કપડા હટાવવામાં આવતાં અંદરથી એક બાળકની લાશ મળી આવી હતી. મૃતદેહ જોયા પછી પણ સુચનાના ચહેરા પર કોઈ હાવભાવ કે કરચલીઓ નહોતી. પોલીસકર્મીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. સૌથી વધુ આશ્ચર્યચકિત અને પરેશાન તો ડ્રાઇવર ડિસોઝા હતો. તેને વિશ્વાસ જ નહોતો આવતો કે જે લાલ રંગની બેગ તેણે પોતાના હાથે ઉપાડીને ડિક્કીમાં રાખી હતી અને જેની સાથે તેણે લગભગ 400 કિલોમીટરનો પ્રવાસ કર્યો હતો, તેમાં એક બાળકનો મૃતદેહ હતો. ડ્રાઈવર ડિસોઝાએ કહ્યું હતું કે સુચના સેઠનું વર્તન શરૂઆતથી જ શંકાસ્પદ હતું અને તેણે તેને પૂછ્યું પણ હતું કે તેની બેગ આટલી ભારે કેમ છે.
આ મામલામાં ડીજીપી ગોવા જશપાલ સિંહે કહ્યું હતું કે આરોપી મહિલા સુચના સેઠ તપાસમાં સહકાર આપી રહી નથી. કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. મહિલા 6 જાન્યુઆરીએ આવી હતી અને 8 જાન્યુઆરીએ બપોરે 12.30 વાગ્યે હોટેલમાંથી નીકળી હતી.
હોટલ સ્ટાફને શંકા ગઇ હતી કે મહિલા તેના બાળક સાથે આવી હતી, પરંતુ તેને લીધા વગર જ જતી રહી હતી. આ પછી, જ્યારે હોટલના રૂમની સફાઈ કરવામાં આવી રહી હતી, ત્યારે રૂમમાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા. જેના કારણે હોટલની શંકા પ્રબળ બની હતી. હોટલમાં લોહી એક મહિલાનું જ લાગતું હતું કારણ કે તેના કાંડા પર કટના નિશાન હતા.
હોટલના સ્ટાફે 112 પર ફોન કરીને જાણ કરી હતી કે એક મહિલા અહીં તેના બાળક આવી હતી. જ્યારે તે ગઈ ત્યારે બાળક તેની સાથે ન હતું અને રૂમમાં લોહીના ડાઘ જોવા મળ્યા હતા. આ અંગે પોલીસે સુચનાની વિગતો મેળવી તેને ફોન કર્યો હતો, પરંતુ નંબર લાગ્યો ન હતો.
આ પછી સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી હતી. મહિલા ટેક્સી દ્વારા જતી જોવા મળી હતી. પોલીસે ટેક્સી ડ્રાઈવરનો સંપર્ક કર્યો અને તેને નજીકના પોલીસ સ્ટેશનમાં જવાનું કહ્યું હતું. ટેક્સી ડ્રાઈવર પોલીસ સ્ટેશન ગયો હતો, જ્યાં કારમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
ડીજીપીના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઝઘડો હતો. આ મામલો કોર્ટમાં પણ હતો. કોર્ટે આદેશ આપ્યો હતો કે દર રવિવારે પિતા બાળક સાથે મળીને વાત કરી શકે છે. મહિલા શનિવારે બાળકને લઈને આવી હતી અને તેની હત્યા કરી હતી.
સુચના તેના પતિ વેંકટરામનને નફરત કરતી હતી. બંનેએ વર્ષ 2010માં લવ મેરેજ કર્યા હતા. વર્ષ 2019માં તેમને એક પુત્ર થયો હતો. 2020માં પતિ-પત્ની વચ્ચે ઝઘડા શરૂ થયા. જ્યારે મામલો કોર્ટમાં પહોંચ્યો ત્યારે માતાને પુત્રની કસ્ટડી મળી હતી. ત્યારથી, સુચનાએ તેના પુત્રને તેના પતિ વેંકટરામનને મળવાની મંજૂરી આપી ન હતી. વેંકટરામને આ માટે કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જેના પર તાજેતરમાં કોર્ટે આદેશ આપ્યો હતો કે વેંકટરામન દર રવિવારે તેમના પુત્રને મળી શકશે.
Taboola Feed