Goa murder case: ‘હું મારા પુત્રને પ્રેમ કરું છું, પણ…’ સૂટકેસમાંથી મળેલી નોટ પર માતાએ શું લખ્યું છે…

ગોવા: બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપના મહિલા સ્થાપક-CEOએ ગોવામાં ચાર વર્ષના દીકરાની હત્યા કરી હોવાની ઘટના બહાર આવ્યા બાદ ચકચાર મચી ગઈ છે. આ હત્યા કેસમાં પોલીસને એક મહત્વપૂર્ણ સફળતા મળી છે, આરોપી સુચના સેઠ દ્વારા એક ચોળાયેલ ટીશ્યુ પેપર પર લખાયેલી નોટ મળી.
એક અખબારના અહેવાલ મુજબ જે સુટકેસમાં ચાર વર્ષના ચિન્મયનો મૃતદેહ મળી આવ્યો હતો તે સૂટકેસની અંદરથી છ લીટીની નોટ મળી આવી હતી. ડેટા સાયન્ટિસ્ટ અને બેંગલુરુ સ્થિત સ્ટાર્ટઅપના સ્થાપક-CEO સુચના સેઠ પર આરોપ છે કે તેણે તેના પતિ વેંકટ રમણ સાથેના તણાવપૂર્ણ સંબંધોને કારણે તેના પુત્રની હત્યા કરી છે.
અહેવાલ મુજબ પ્રાપ્ત થયેલી નોટ ઉતાવળમાં લખાયેલી છે અને કથિત રીતે આઈલાઈનર વડે લખવામાં આવી હતી. નોટમાં લખવામાં આવ્યું છે કે, ‘કોર્ટ અને મારા પતિ મારા પુત્રની કસ્ટડી આપવા માટે મારા પર દબાણ કરી રહ્યા છે. હું હવે એ સહન કરી શકતી નથી…મારો ભૂતપૂર્વ પતિ હિંસક છે…તે પુત્રને ખરાબ આદતો શીખવતો હતો. હું ખૂબ જ દોષિત અને હતાશ છું. હું મારા પુત્રને પ્રેમ કરું છું પરંતુ હું તેને તેના પિતા સાથે જોવા નથી માંગતી.’
સુચના સેઠે આ નોંધ લખી હોવાની કબૂલાત કરી હતી, પરંતુ તેને કહ્યું હતું કે તેણે તેના પુત્રની હત્યા કરી નથી.
જ્યાં હત્યા કરવામાં આવી હતી એ ગોવાના સર્વિસ એપાર્ટમેન્ટમાં આરોપીને લઇ જવામાં આવ્યા પછી પોલીસ અધિકારીઓને થોડી વિગતો વિશે જાણ કરી હતી. પોલસ અધિકારીએ કહ્યું કે, ‘આરોપીએ અમને બતાવ્યું કે તેનો પુત્ર રૂમમાં ક્યાં સુતો હતો, તેણે મૃતદેહ ભરેલી સૂટકેસ ક્યાં રાખી હતી અને તેણે મૃતદેહને કેવી રીતે ગાડીની અંદર મૂક્યો.”
8 જાન્યુઆરીના રોજ જ્યારે સ્ટાર્ટઅપ સીઈઓ સુચના સેઠ ઉત્તર ગોવાથી બેંગલુરુ જઈ રહી હતી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી, તે તેના પુત્રના મૃતદેહ ભરેલો બેગમાં સાથે લઇને જઈ રહી હતી. સુચના જે કેબમાં મુસાફરી કરી રહી હતી તે કર્ણાટકમાં હતી ત્યારે પોલીસે કેબ ડ્રાઇવરનો સંપર્ક કર્યો અને આ રીતે ઘટના બહાર આવી.
પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો કે બાળકનું મોં ટુવાલ અથવા ઓશીકા વડે દબાવી દેવામાં આવ્યું હતું. 39 વર્ષીય મહિલાએ હજુ સુધી કોઈ સંતોષકારક જવાબ આપ્યો નથી કે તેણીએ સુટકેસમાં લાશ કેમ છુપાવી હતી.