ગોવા અગ્નિકાંડ કેસમાં લુથરા ભાઇઓને કોર્ટે ના આપી રાહત, વધુ સુનાવણી ગુરુવારે…

નવી દિલ્હી : ગોવાના બર્ચ બાય રોમિયો લેન નાઈટ ક્લબમાં લાગેલી આગમાં 25 લોકોના મોત થયા છે. જેના પગલે પોલીસે આ ક્લબના માલિક સૌરભ અને ગૌરવ લુથરાને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે માલિકો ધરપકડથી બચવાના પ્રયાસ કરી રહ્યા છે. જોકે, આજે બંને માલિકો દિલ્હીની કોર્ટમાંથી વચગાળાની રાહત મેળવવામાં નિષ્ફળ ગયા છે. કોર્ટે તેમની આગોતરા જામીન અરજી પર સુનાવણી ગુરુવાર સુધી મુલતવી રાખી છે.
ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરા હજી પણ ફરાર
આ સમગ્ર મામલે ગોવામાં આવેલા વાગાતોર વિસ્તારમાં સઘન કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે અગ્નિકાંડ બાદ રોમિયો લેન ક્બલમાં બુલડોઝર કાર્યવાહી કરીને પાડી દેવામાં આવ્યું છે. તંત્ર દ્વારા આ ક્લબના ગેરકાયદે ભાગને તોડી પાડવામાં આવ્યો છે. જો કે, આ બર્ચ બાય રોમિયો લેન ક્લબ અગ્નિકાંડ કેસના મુખ્ય આરોપીઓ ગૌરવ લૂથરા અને સૌરભ લૂથરા હજી પણ ફરાર છે. આ બંને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.
ઘટના બાદ બંને ભાઈઓ થાઈલેન્ડ ભાગી ગયા
આ કેસમાં બંને ભાઈઓએ ચાર અઠવાડિયાના ટ્રાન્ઝિટ આગોતરા જામીન માંગ્યા છે જેથી થાઈલેન્ડથી દિલ્હી પરત ફર્યા બાદ તેમની તાત્કાલિક ધરપકડ કરવામાં ના આવે.આ ઘટના બાદ થાઈલેન્ડ ભાગી ગયેલા લુથરા બંધુઓએ તેમની આગોતરા જામીન અરજીમાં પોતાને પીડિત ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે તેમના પર કોઈ આધાર વગર આરોપ લગાવવામાં આવી રહ્યા છે.
માલિકી હકો બીજા કોઈ પાસે
જોકે, સુનાવણી દરમિયાન આરોપી સૌરભ લુથરાના વકીલે તેમની આગોતરા જામીન માટે તબીબી કારણો આપ્યા અને કહ્યું કે હાઈ બ્લડ પ્રેશર સહિતના રોગનો હવાલો આપ્યો હતો. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આરોપીઓ ક્લબના માલિક નથી પરંતુ ફક્ત માન્ય પરમિટ સાથે કાર્યરત લાઇસન્સ ધારકો છે. તેમણે સ્પષ્ટતા કરી કે માલિકી હકો બીજા કોઈ પાસે છે.
આ પણ વાંચો…ગોવા અગ્નિકાંડઃ નાઈટ ક્લબ ‘બર્ચ બાય રોમિયો લેન’ પર ચાલ્યું બુલડોઝર



