Go Air Crisis: ગો એરની સંકટ વધુ ઘેરું બન્યું, આ મોટા રોકાણકારે સંભવિત ડીલમાંથી પીછેહઠ કરી

મુંબઈ: આર્થીક કટોકટીને કારણે બંધ થયેલી એરલાઈન ગો એર(Go Air) સામે વધુ એક મોટું સંકટ ઊભું થયું છે. ગો એર ખરીદવા ઇચ્છતા મોટા રોકાણકાર અને ટ્રાવેલ પોર્ટલ EaseMyTripના CEO નિશાંત પિટ્ટી(Nishant Pitti) હવે આ ડીલમાંથી ખસી ગયા છે. નિશાંત પિટ્ટીએ કહ્યું છે કે ખૂબ વિચાર કર્યા બાદ તેમણે આ ડીલમાંથી ખસી જવાનો નિર્ણય લીધો છે.
નિશાંત પિટ્ટીની માલિકીની બિઝી બી એરવેઝ(Busy Bee Airways)એ સ્પાઇસજેટ (Spice Jet)ના વડા અજય સિંહ સાથે મળીને ગો એર ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ત્રણ મહિના પહેલા ફેબ્રુઆરીમાં આ પ્રસ્તાવ આવ્યા બાદ એવું લાગી રહ્યું હતું કે ગો એરના એરક્રાફટ ફરી એકવાર આકાશમાં ઉડતા જોવા મળશે. પરંતુ, નિશાંત પિટ્ટીના તાજેતરના નિર્ણયથી ગો એરલાઇનને મોટો ફટકો પડ્યો છે. આ સાથે, નાદારીની પ્રક્રિયાનો સામનો કરી રહેલી ગો એર માટે સંકટમાંથી બહાર આવવાનો બીજો રસ્તો બંધ થઈ ગયો છે.
Ease My Tripના CEOએ શનિવારે જણાવ્યું હતું કે હવે આ મુદ્દા પરથી ધ્યાન હટાવવાથી હું મારી અન્ય પ્રાથમિકતાઓ પર વધુ ધ્યાન આપી શકીશ. અમારી કંપનીને આગળ લઈ જવા માટે અમારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
થોડા દિવસો પહેલા દિલ્હી હાઈકોર્ટના નિર્ણયને કારણે ગો ફર્સ્ટે તેના 54 વિમાન ગુમાવ્યા હતા. કોર્ટે લીઝિંગ કંપનીને આ વિમાનોનો હવાલો લેવા પરવાનગી આપી હતી. નિશાંત પિટ્ટીએ કોર્ટના આદેશ બાદ જ આ નિર્ણયનો સંકેત આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ તેમના પ્રસ્તાવ પર પુનર્વિચાર કરશે. Ease My Trip એ શુક્રવારે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા હતા. આમાં કંપનીને રૂ. 15.07 કરોડનું નુકસાન થયું હતું. બીજી તરફ, નેશનલ કંપની લો ટ્રિબ્યુનલે ઉકેલ શોધવા માટે ગો ફર્સ્ટ માટે 3 જૂન સુધીનો સમય આપ્યો છે.