જ્ઞાનવાપી કેસ: પુરાતત્વ ખાતાએ રિપોર્ટ સાર્વજનિક ન કરવા કોર્ટમાં અપીલ કરી
નવી દિલ્હી: જ્ઞાનવાપી મસ્જીદ સાથે જોડાયેલા વિવાદમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગે વારાણસી જિલ્લા અદાલતમાં પ્રાર્થના પત્ર આપીને જ્ઞાનવાપી સરવે રિપોર્ટ સાર્વજનિક ન કરવાની અપીલ કરી છે. ASI એ પોતાની અરજીમાં 4 અઠવાડિયાનો સમય માગ્યો છે. પુરાતત્વ ખાતાને અલ્હાબાદ હાઈકોર્ટે 1991ના ભગવાન વિશ્વેશ્વર કેસના પેન્ડિંગ કેસમાં સરવે રિપોર્ટ દાખલ કરવાનું પણ કહ્યું છે, આથી જ્ઞાનવાપી કેસ માટે તેમને સમય જોઇશે તેવી દલીલ કરી હતી.
જ્ઞાનવાપી કેસમાં હિન્દુ અને મુસ્લીમ બંને પક્ષ દ્વારા રિપોર્ટની માગ કરવામાં આવી છે, જેને પગલે પુરાતત્વ ખાતાએ જ્ઞાનવાપીનો સરવે રિપોર્ટ 2 સીલબંધ પરબિડીયાઓમાં દાખલ કર્યો હતો. એ પછી હિન્દુ પક્ષે તેની નકલ આપવા અને આ અહેવાલને સાર્વજનિક કરવાની માંગ કરી હતી. જો કે મુસ્લિમ પક્ષે આ અંગે વાંધો વ્યક્ત કર્યો હતો અને સરવે રિપોર્ટને સાર્વજનિક ન કરવાની માંગ કરી હતી.
અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટીએ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં વાંધા અરજી દાખલ કરી છે. કમિટીએ એફિડેવિટ લીધા બાદ જ સરવે રિપોર્ટ આપવા વિનંતી કરી હતી. રિપોર્ટ લીક ન થાય તેની ખાતરી કરવી જોઈએ તેવી તેમણે અપીલ કરી હતી, ઉપરાંત, કેસના મીડિયા કવરેજ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે.