DUના પૂર્વ પ્રોફેસર જીએન સાઈબાબાનું નિધન, 10 વર્ષ જેલમાં રહ્યા બાદ નિર્દોષ છૂટ્યા હતાં
હૈદરાબાદ: દિલ્હી યુનિવર્સિટી (DU)ના પૂર્વ પ્રોફેસર અને માનવ અધિકાર કાર્યકર્તા જીએન સાઈબાબા(GN Saibaba)નું શનિવારે નિધન થયું. લાંબી બીમારી બાદ તબિયત લથડતા, તેમને હૈદરાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. સાંઈબાબાએ 57 વર્ષની વયે શનિવારે રાત્રે લગભગ 9 વાગે અંતિમ શ્વાસ લીધા. સાઈબાબા પિત્તાશયના ચેપ અને અન્ય સમસ્યાઓથી પીડિત હતા, જેના કારણે તેનું મોત થયું હતું.
જીએન સાઈબાબા પિત્તાશયના ઈન્ફેક્શનથી પીડિત હતા, તેમને છેલ્લા 20 દિવસથી નિઝામ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સ (NIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. બે અઠવાડિયા પહેલા તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું પરંતુ પછીથી તકલીફ વધી ગઈ હતી.
દલિત અને આદિવાસીઓ માટે કર્યું કામ:
સાઈ બાબાનો જન્મ આંધ્ર પ્રદેશના એક ગરીબ પરિવારમાં થયો હતો. 2003માં દિલ્હી આવ્યા પહેલા તેમની પાસે વ્હીલ ચેર ખરીદવા માટે પણ પૈસા ન હતા. પરંતુ, તે શરૂઆતથી જ અભ્યાસમાં ખૂબ તેજસ્વી હતાં. ઓલ ઈન્ડિયા પીપલ્સ રેઝિસ્ટન્સ ફોરમના કાર્યકર તરીકે, તેમણે કાશ્મીર અને ઉત્તર પૂર્વમાં મુક્તિ ચળવળના સમર્થનમાં, દલિત અને આદિવાસીઓના અધિકારોને પ્રોત્સાહન આપવા માટે બે લાખ કિલોમીટરથી વધુની મુસાફરી કરી. સાઈ બાબા પર માઓવાદીઓ માટે કામ કરવાનો પણ આરોપ હતો. જોકે, તેણે હંમેશા માઓવાદીઓને સમર્થન કરવાના આરોપને નકારી કાઢ્યા હતા.
નિર્દોષ હોવા છતાં 10 વર્ષ જેલમાં વિતાવ્યા:
કથિત રીતે માઓવાદી સાથે સંબંધોના કેસમાં 10 વર્ષ જેલમાં વિતાવ્યા બાદ જીએન સાઈબાબાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા, હજુ માત્ર સાત મહિના પહેલા જ તેઓ જેલની બહાર આવ્યા હતા. આ વર્ષે માર્ચમાં બોમ્બે હાઈકોર્ટે સાઈબાબાને માઓવાદીઓ સાથે કથિત સંબંધોના કેસમાં નિર્દોષ જાહેર કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે ફરિયાદ પક્ષ તેની સામેના આરોપો સાબિત કરવામાં નિષ્ફળ ગયો હતો.
માઓવાદીઓ સાથે સંબંધનો આરોપ:
મહારાષ્ટ્ર પોલીસે તેમના પર પ્રતિબંધિત સીપીઆઈ-માઓઇસ્ટ સાથે સંબંધ હોવાનો આરોપ મૂક્યો હતો, પરંતુ બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેને નિર્દોષ જાહેર કર્યા હતાં. ડીયુમાં અંગ્રેજીના પ્રોફેસર સાઈબાબાને 2014 માં કોલેજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, મહારાષ્ટ્ર પોલીસ દ્વારા માઓવાદી જૂથો સાથે સંબંધ હોવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.
બોમ્બે હાઈ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા:
તેમની ધરપકડ બાદ સાંઈબાબાને નાગપુર સેન્ટ્રલ જેલમાં કેદ કરવામાં આવ્યા હતા. માર્ચ 2017 માં, મહારાષ્ટ્રની એક સેશન્સ કોર્ટે સાઈબાબા અને અન્ય પાંચ – મહેશ તિર્કી, પાંડુ નરોટે, હેમ મિશ્રા, પ્રશાંત રાહી અને વિજય ટિર્કીને કથિત માઓવાદી સાથે સંબંધ અને રાષ્ટ્ર વિરુદ્ધ યુદ્ધ ચલાવતી પ્રવૃત્તિઓમાં સંડોવણી માટે દોષિત ઠેરવ્યા હતા. આ વર્ષની શરૂઆતમાં, તેને બોમ્બે હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા પછી તેમને જેલમુક્ત કરવામાં આવ્યા હતાં.
હૃદયદ્રાવક આપવીતી સંભળાવી:
જેલમાંથી છૂટ્યા બાદ પત્ની વસંતા સાથે દિલ્હીના સુરજીત ભવનમાં પહોંચેલા પ્રો.જી.એન.સાઈબાબાએ વાત કરતાં કહ્યું કે, માતા સીતાને પોતાની નિર્દોષતા સાબિત કરવા માટે જે રીતે અગ્નિપરીક્ષામાંથી પસાર થવું પડ્યું તે જ રીતે તેઓ પણ પસાર થયા. સાંઈબાબાએ કહ્યું હતું કે લોકોને ભગવાન રામ પર પણ શંકા હતી. શંકા સંપૂર્ણપણે પાયાવિહોણી હતી. મારી ધરપકડ પછી 10 વર્ષ સુધી મેં જે યાતનાઓમાંથી પસાર થવું પડ્યું તે હું ક્યારેય ભૂલી નહીં શકું. મારી સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યું.
તેની ધરપકડ પછી 10 વર્ષ સુધી અને સજા સંભળાવ્યા પછી, તેને સાત વર્ષ સુધી અંડાસેલમાં રાખવામાં આવ્યા હતાં, જ્યાં ગંભીર ગુનાના કેદીઓને રાખવામાં આવે છે. તેમને જે સેલમાં રાખવામાં આવ્યા હતાં ત્યાં તેઓ વ્હીલચેર લઈ શકતા ન હતા.
તેમણે કહ્યું કે 200 કેદીઓની ક્ષમતા ધરાવતી આ જેલમાં 1300થી વધુ કેદીઓ છે. ત્યાં કેદીઓ ઉભા થવા અને બેસવા માટે પ્રાણીઓની જેમ એકબીજા સાથે લડે છે. બે આદિવાસી કેદીઓ મને જેલમાં રોજિંદા કામકાજમાં મદદ કરતા હતા. તેમના સમર્થન વિના તેઓ હલનચલન પણ કરી શકતા ન હતાં.