નેશનલવેપાર

વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો

ચાંદીમાં ઊંચા મથાળેથી રૂ. 2069નું ગાબડું, સોનું રૂ. 686 તૂટ્યું

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ઈઝરાયલ-ઈરાન વચ્ચે વધેલા ભૂરાજકીય તણાવ ઉપરાંત ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકનાં અંતે અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્‌‍ રાખવાની સાથે વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટના ઘટાડાની શક્યતા વ્યક્ત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.

જોકે, સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 683થી 686નો ઘટાડો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2069નું ગાબડું પડ્યું હતું.

ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ હેઠળ ભાવ આૈંસદીઠ 37 ડૉલરની અંદર ઊતરી ગયાના અહેવાલો સાથે આજે સ્થાનિકમાં પણ મધ્યસત્ર દરમિયાન સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલી સામે નવી લેવાલીનો અભાવ અને ઔદ્યોગિક વપરાશકારોની ખપપૂરતી અને જ્વેલરી ઉત્પાદકોની નવી લેવાલીનો અભાવ રહેતાં વેરારહિત ધોરણે ભાવ ગઈકાલના બંધ સામે કિલોદીઠ રૂ. 2069ના ઘટાડા સાથે રૂ. 1,07,343ના મથાળે રહ્યા હતા.

તે જ પ્રમાણે સોનામાં પણ ઓવરનાઈટ નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, જેમાં વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 10 ગ્રામદીઠ રૂ. 683 ઘટીને રૂ. 98,373 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 686 ઘટીને રૂ. 98,768ના મથાળે રહ્યા હતા. જોકે, સ્ટોકિસ્ટો અને રોકાણકારો સહિત જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ શુષ્ક રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના ઘટ્યા મથાળા સામે 0.1 ટકાના સાધારણ સુધારા સાથે આૈંસદીઠ 3371.15 ડૉલર આસપાસ અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને 3388.60 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ આસપાસ આૈંસદીઠ 36.72 ડૉલર આસપાસની સપાટીએ ટકેલા રહ્યા હતા.

આજે વિશ્વ બજારમાં સોનાના ભાવમાં ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે. તેમ છતાં ઈઝરાયલ-ઈરાન વચ્ચેના યુદ્ધમાં અમેરિકા ઝંપલાવે છે કે નહીં તેનાં પર બજારની નજર છે અને જો અમેરિકા ઝંપલાવશે તો સોનામાં ઝડપી ઉછાળો જોવા મળશે, એમ કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવ્યું હતું. સામાન્યપણે ભૂરાજકીય તણાવની સ્થિતિમાં સોના જેવી કિંમતી ધાતુઓમાં સલામતી માટેની માગ રહેતી હોય છે.

નોંધનીય બાબત એ છે કે ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈઝરાયલના હુમલાઓને ધ્યાનમાં લેતા તહેરાનના નાગરિકોને શહેર ખાલી કરવા જણાવ્યું હોવા છતાં અમેરિકા ઈરાન-ઈઝરાયલ વચ્ચેનાં યુદ્ધમાં ઝંપલાવશે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નહોતી કરી. જોકે, ગઈકાલે અમેરિકી લશ્કરે અમુક એરક્રાફ્ટ મધ્યપૂર્વમાં રવાના કર્યાના અહેવાલ હતા.

આ પણ વાંચો -‏‏‎ ફેડરલ રિઝર્વની બેઠકની ફળશ્રુતિ પૂર્વે વૈશ્વિક સોનામાં નરમાઈ

દરમિયાન ગઈકાલે અમેરિકી ફેડરલ રિઝર્વે બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે વ્યાજદર યથાવત્‌‍ રાખવાની સાથે વર્ષના અંત સુધીમાં વ્યાજદરમાં 50 બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવાની આગાહી કરી હતી, પરંતુ ભવિષ્યમાં વ્યાજદરમાં કપાત ધીમી રહેશે એવા પણ સંકેત આપ્યા હતા. તેમ જ ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ઊંચા આયાત ટૅરિફને ધ્યાનમાં લેતા ફુગાવામાં વધારો થવા અંગેની ચેતવણીનો પુનરોચ્ચાર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button