નેશનલવેપાર

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ વકરતા વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી સુધારો

સ્થાનિક સોનામાં રૂ. 563નો ઘટાડો, ચાંદીમાં રૂ. 252ની આગેકૂચ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર ગઈકાલે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ ગઈકાલે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પ કેનેડા ખાતેની જી-7 મંત્રણામાંથી વહેલા પાછા ફર્યા હતા અને ઈરાને ન્યૂક્લિયર ડીલ નામંજૂર કરી હોવાથી ઈરાનનાં નાગરિકોને તહેરાન ખાલી કરવાની ભલામણ કરતાં ભૂરાજકીય તણાવમાં વધારો થવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનામાં સલામતી માટેની માગને ટેક હાજર ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો અને વાયદામાં ભાવઘટાડો આગળ ધપ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમાં સુધારો આવ્યો હતો.

આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન ઓવરનાઈટ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 561થી 563નો ઘટાડો આવ્યો હતો અને ચાંદીના ભાવ કિલોદીઠ રૂ. 252 વધી આવ્યા હતા.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 252 વધીને રૂ. 1,06,952ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં ગઈકાલના વૈશ્વિક નિરુત્સાહી અહેવાલોને ધ્યાનમાં લેતા ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું.

તેમ જ ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 561 ઘટીને રૂ. 98,414 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 563 ઘટીને રૂ. 98,810ના મથાળે રહ્યા હતા.

આજે લંડન ખાતે સત્રના આરંભે મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધતાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં ભાવ ગઈકાલના ઘટ્યા મથાળથી 0.3 ટકા વધીને આૈંસદીઠ 3392.29 ડૉલર અને વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે 0.2 ટકા ઘટીને આૈંસદીઠ 3410.90 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.3 ટકા વધીને આૈંસદીઠ 36.43 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

એકંદરે હાલમાં સોનાના ભાવ ઈઝરાયલ-ઈરાન વચ્ચે તણાવ વધશે કે ઘટશે તેની અવઢવના આધારે તેજી અને મંદી વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે. ગઈકાલે ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવમાં એક ટકા જેટલો ઘટાડો આવ્યા બાદ આજે પુનઃ મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધ્યાના સંકેતે ભાવમાં ફરી તેજીનું વલણ જોવા મળ્યું હોવાનું કેસીએમ ટ્રેડનાં ચીફ માર્કેટ એનાલિસ્ટ ટીમ વૉટરરે જણાવતાં ઉમેર્યું હતું કે વર્તમાન ભૂરાજકીય તણાવને ધ્યાનમાં લેતા વૈશ્વિક સોનું પુનઃ 3400 ડૉલરની સપાટી અંકે કરે તેવી શક્યતા નકારી ન શકાય.

પ્રાપ્ત અહેવાલ અનુસાર ઈઝરાયલ-ઈરાનનાં યુદ્ધનાં પાંચમા દિવસે સોમવારે ઈઝરાયલે ઈરાનનાં પ્રસારણ મથક પર હુમલો કર્યો હતો, જ્યારે યુએનની પરમાણુ નિરિક્ષક સંસસ્થાના વડાએ ઈરાનનાં સૌથી મોટા યુરેનિયમનાં સંસ્થાનોમાં વ્યાપક નુકસાન થયું હોવાનું જણાવ્યું હતું. વધુમાં ટ્રમ્પે નેશનલ સિક્યોરિટી કાઉન્સિલને સજ્જ રહેવાનો પણ અનુરોધ કર્યો છે.

સામાન્યપણે ભૂરાજકીય અને આર્થિક અનિશ્ચિતતાના સંજોગોમાં સોનામાં સલામતી માટેની માગ રહેતી હોય છે. આમ એકંદરે ભૂરાજકીય અનિશ્ચિતતા આર્થિક સ્તરે ટૅરિફની અનિશ્ચિતતા પણ પ્રવર્તી રહી હોવાથી સોનાના ભાવ વધીને આૈંસદીઠ 3500 ડૉલર સુધી પહોંચે તેવી શક્યતા પણ નકારી ન શકાય, એમ વૉટરરે ઉમેર્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ વૈશ્વિક સોનામાં ઊંચા મથાળેથી નફારૂપી વેચવાલીએ પીછેહઠ

જોકે, હવે રોકાણકારોની નજર આવતીકાલે સમાપન થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પર સ્થિર થઈ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button