નેશનલવેપાર

મધ્ય પૂર્વમાં તણાવ વધવાની સાથે ડૉલર નબળો પડતાં વૈશ્વિક સોનામાં તેજી

સ્થાનિકમાં શુદ્ધ સોનું રૂ. 929 ઉછળીને ફરી રૂ. 97,000ની પાર, ચાંદી રૂ. 454 વધી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)


મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને મધ્ય પૂર્વના દેશોમાં તણાવ વધતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં ગઈકાલના બંધ સામે 0.6 ટકાનો અને વાયદાના ભાવમાં 1.50 ટકાનો ઉછાળો આવ્યો હતો, જ્યારે ચાંદીના ભાવ 0.4 ટકા વધીને ક્વૉટ થઈ રહ્યાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 925થી 929નો ઝડપી ઉછાળો આવ્યો હતો, જેમાં શુદ્ધ સોનાના ભાવ ફરી રૂ. 97,000ની સપાટી કુદાવી ગયા હતા. જોકે, આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસાના સુધારા સાથે ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં ઘટાડો થતાં વિશ્વ બજારની સરખામણીમાં ભાવવધારો મર્યાદિત રહ્યો હતો. તેમ જ મધ્યસત્ર દરમિયાન ચાંદીમાં પણ કિલોદીઠ રૂ. 454ની આગેકૂચ જોવા મળી હતી.

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને સોનામાં વિશ્વ બજાર પાછળ ઝડપી તેજી જોવા મળી હતી અને વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 925 વધીને રૂ. 96,775 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 929 વધીને રૂ. 97,164ના મથાળે રહ્યા હતા. જોકે, ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારો ઉપરાંત જ્વેલરી ઉત્પાદકો તેમ જ રિટેલ સ્તરની માગ નિરસ રહી હતી. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની ખપપૂરતી માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. 454ના સુધારા સાથે રૂ. 1,05,948ના મથાળે રહ્યા હતા.

દરમિયાન આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ ઘટીને બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી અને મધ્ય પૂર્વનાં દેશોમાં તણાવ વધતાં રોકાણકારોની સલામતી માટેની માગને ટેકે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.6 ટકા વધીને આૈંસદીઠ 3373.09 ડૉલર અને વાયદામાં ભાવ 1.50 ટકાના ઉછાળા સાથે 3393.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે 0.4 ટકા વધીને 36.38 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

પ્રાપ્ત અહેવાલ અનુસાર અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ઈરાન સાથે વધી રહેલા તણાવને કારણે સલામતીને ધ્યાનમાં લેતા ઈરાન સ્થિત અમેરિકીઓને પાછા ફરવા જણાવ્યું હોવાથી ઈરાન સાથેનાં તણાવમાં વધારો થવાની ભીતિ સપાટી પર આવતા આજે સોનામાં સલામતી માટેની માગને કારણે તેજીનું આૈંસદીઠ 3346 ડૉલરની પ્રતિકારક સપાટીનું બે્રકઆઉટ જોવા મળ્યું હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતાં ઉમેર્યું હતું કે આજે ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની નીચી સપાટી આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની તેજીને ઈંધણ મળ્યું હતું.

આ પણ વાંચો -‏‏‎ અમેરિકા-ચીન વેપાર વિવાદ યથાવત્‌‍ રહેતાં વૈશ્વિક સોનામાં સુધારા

દરમિયાન ગઈકાલે જાહેર થયેલા અમેરિકાના મે મહિનાના ફુગાવામાં ગૅસોલિનના ભાવમાં ઘટાડો થયો હોવા છતાં ટૅરિફને કારણે વધારો થયો હતો, પરંતુ બજારની અપેક્ષા કરતાં ઓછી વૃદ્ધિ જોવા મળી હતી. તેમ જ અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે પુનઃ ફેડરલ રિઝર્વને વ્યાજદરમાં કાપ મૂકવામાં હાકલ કરી હતી. જોકે, હવે રોકાણકારોની નજર મોડી સાંજે જાહેર થનારા અમેરિકાના પ્રોડ્યુસર પ્રાઈસ ઈન્ડેક્સના ડેટા પર સ્થિર થઈ છે. એકંદરે ફુગાવામાં ઓછી વૃદ્ધિ અને ફુગાવાની સપાટી ચેતવણીજનક સ્તરે ન હોવાથી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં અપેક્ષા કરતાં વહેલી કપાતનો નિર્ણય લે તેવી શક્યતા વૉન્ગે વ્યક્ત કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.
Back to top button