
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ અમેરિકાએ ગઈકાલે ઈરાનનાં પરમાણુ સ્થાનકો પર હુમલો કર્યાના અહેવાલો પશ્ચાત્ આજે વિશ્વ બજારમાં ડૉલરમાં રોકાણકારોની પ્રબળ માગ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવમાં નરમાઈનું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીમાં ધીમો સુધારો આવ્યાના નિર્દેશો હતા. જોકે, આજે સ્થાનિક ઝવેરી બજારના વૈશ્વિક મિશ્ર અહેવાલો છતાં આજે આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસા નબળો ક્વૉટ થઈ રહ્યો હોવાથી સોનાની આયાત પડતરોમાં વધારો થવાથી મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 192થી 193નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઔદ્યોગિક વપરાશકારોની માગને ટેકે ભાવમાં કિલોદીઠ રૂ. 25નો સાધારણ સુધારો જોવા મળ્યો હતો.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે મધ્યસત્ર દરમિયાન સોનામાં સ્ટોકિસ્ટો, રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો અને સ્થાનિક ડીલરોની માગ શુષ્ક રહી હોવા છતાં રૂપિયાની નબળાઈને કારણે આયાત પડતરો વધી આવતા વેરારહિત ધોરણે 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 192 વધીને રૂ. 98,488 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 193 વધીને રૂ. 98,884ના મથાળે રહ્યા હતા. વધુમાં આજે 999 ટચ ચાંદીમાં પણ સ્ટોકિસ્ટો અને જ્વેલરી ઉત્પાદકોની મર્યાદિત માગ વચ્ચે ઔદ્યોગિક વપરાશકારોની માગ ઉપરાંત વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલોનો ટેકો મળતા વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 25ના સાધારણ સુધારા સાથે રૂ. 1,06,800ના મથાળે રહ્યા હતા.
અમેરિકાએ ઈરાનની ન્યૂક્લિયર સુવિધાના મથકો પર હુમલો કર્યો હોવાના અહેવાલને ધ્યાનમાં લેતા આજે સલામતી માટે રોકાણકારોની ડૉલરમાં વ્યાપક લેવાલી રહેતાં ડૉલર ઈન્ડેક્સમાં 0.3 ટકા જેટલો ઉછાળો આવતા સોનાના ભાવ દબાણ હેઠળ આવ્યા હોવાનું કેસીએમ ટ્રેડના વિશ્લેષક ટીમ વૉટરરે જણાવતા ઉમેર્યું હતું કે વાસ્તવમાં મધ્યપૂર્વના દેશોમાં તણાવ વધુ ઉગ્ર થવાની ભીતિ હોવા છતાં ડૉલરની મજબૂતીએ સોનામાં ઉછાળો અટક્યો છે.
અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે અમેરિકી પ્રમુખ ડૉનલ્ડ ટ્રમ્પે ગઈકાલે ઈરાનમાં શાસન પરિવર્તનનો મુદ્દો ઉઠાવવાની સાથે અમેરિકાએ ઈરાનનાં પહાડી વિસ્તારમાં આવેલા પરમાણુ સ્થાનકો પર 30,000 પાઉન્ડરનાં બંકર બસ્ટ બોમ્બ મારફતે કરેલા હુમલા સામે તહેરાનના વરિષ્ઠ અધિકારીઓને પલટવાર કરવા બાબતે ચેતવણી પણ આપી હતી. આમ વૈશ્વિક સ્થિતિને ધ્યાનમાં લેચા આજે વૈશ્વિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ક્રૂડતેલના ભાવ વધીને પાંચ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યા હતા.
આ પણ વાંચો - વૈશ્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો
હવે રોકાણકારોની નજર ઈરાનનાં વળતા પગલાં પર રહેવા ઉપરાંત આ સપ્તાહના અંતે ફેડરલ રિઝર્વની છેલ્લી નાણાનીતિ અંગે કૉંગે્રસને આપવામાં આવનારા અહેવાલ પર સ્થિર થઈ છે. જોકે, ટૅક્નિકલ દૃષ્ટિએ હાલમાં વૈશ્વિક સોના માટે આૈંસદીઠ 3348 ડૉલરની સપાટી મહત્ત્વની ટેકાની સપાટી પુરવાર થઈ શકે છે અને જો આ સપાટી તૂટે તો ભાવ ઘટીને 3324 ડૉલર સુધી ઘટી શકે, એમ રૉઈટર્સના એક ટેક્નિકલ એનાલિસ્ટે જણાવ્યું હતું.