નેશનલવેપાર

વૈશ્વિક સોનામાં સાંકડી વધઘટ, સ્થાનિકમાં રૂ. ૨૧નો ઘસરકો

ચાંદી રૂ. ૭૫૪ ઉછળીને રૂ. ૮૨,૦૦૦ની પાર

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર ભાવમાં સાંકડી વધઘટ નોંધાઈ હતી, જ્યારે ચાંદીમાં સુધારાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્વિક બજારને અનુસરતા સ્થાનિક ઝવેરી બજારમાં આજે મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧નો સાધારણ ઘસરકો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં વૈશ્વિક પ્રોત્સાહક અહેવાલ સાથે ઔદ્યોગિક વપરાશકારોની પ્રબળ માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૫૪ના ઉછાળા સાથે ફરી રૂ. ૮૨,૦૦૦ની સપાટી પાર કરી ગયા હતા.


બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને .૯૯૯ ટચ ચાંદીમાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉચ્પાદકોની માગને ટેકે ભાવ કિલોદીઠ રૂ. ૭૫૪ વધીને રૂ. ૮૨,૨૯૬ના મથાળે રહ્યા હતા.

વધુમાં આજે સોનામાં વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલ ઉપરાંત ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટો અને રોકાણકારોની નવી લેવાલીનો અભાવ તેમ જ જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ પણ નિરસ રહેતાં મધ્યસત્ર દરમિયાન ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૨૧ના ઘટાડા સાથે ૯૯.૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૩૩૭ અને ૯૯.૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૧,૬૨૪ના મથાળે રહ્યા હતા.

આજે વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી તેમ જ ઈઝરાયલ હમાસ વચ્ચેના યુદ્ધવિરામના આશાવાદને કારણે સલામતી માટેની માગ પણ નિરસ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે સાધારણ ૦.૦૧ ટકા વધીને ઔંસદીઠ ૨૩૦૮.૮૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૦૯ ટકા ઘટીને ૨૩૧૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ૦.૭૪ ટકા વધીને ઔંસદીઠ ૨૭.૫૪ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.


ઈઝરાયલે રફાહ પર કરેલા હુમલાને ધ્યાનમાં લેતા અમેરિકી પ્રમુખે શસ્ત્રોનો પુરવઠો બંધ કરવાની સાથે ઈઝરાયલ હમાસ વચ્ચે શાંતિ થવાનો આશાવાદ સેવાઈ રહ્યો હોવાથી સોનામાં સલામતી માટેની મનાગ ઓસરી ગઈ છે. જોકે, ફેડરલ રિઝર્વ લાંબા સમયગાળા સુધી ઊંચા વ્યાજદર જાળવી રાખે તેવી શક્યતાને ધ્યાનમાં લેતા હાલમાં સોનાના ભાવ વધુ દબાણ હેઠળ રહેતા હોવાનું વિશ્ર્લેષકો જણાવતાં ઉમેરે છે કે હવે રોકાણકારોની નજર આગામી સપ્તાહે જાહેર થનારા અમેરિકાના ફુગાવાના ડેટા પર સ્થિર થઈ હોવાથી તેઓએ નવી લેવાલીમાં સાવચેતીનું વલણ અપનાવ્યું હોય તેમ જણાય છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button