નેશનલવેપાર

વૈશ્વિક સોનું નવી વિક્રમ સપાટીએ પહોંચતા સ્થાનિકમાં રૂ. ૧૬૦ની આગેકૂચ, ચાંદી રૂ. ૯૪૪ ઘટી

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને ફેડરલ રિઝર્વ આગામી નાણાનીતિની સમીક્ષાની બેઠકમાં વ્યાજદરમાં કાપ મૂકે તેવા આશાવાદ વચ્ચે ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને નવી ઔંસદીઠ ૨૬૮૫.૬૦ ડૉલરની સપાટીને સ્પર્શીને પાછા ફર્યા હતા.

વધુમાં આજે લંડન ખાતે પણ સત્રના આરંભે હાજર અને વાયદામાં ઘટ્યા મથાળેથી સુધારો આવ્યો હતો. તેમ જ ચાંદીના ભાવ પણ વધી આવ્યા હતા. આમ વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ અને સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આ અહેવાલ લખાઈ રહ્યો છે ત્યારે ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી સ્થાનિક ઝવેરી બજારમાં મધ્યસત્ર દરમિયાન સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.

૧૬૦નો સુધારો આવ્યો હતો, જ્યારે ચાંદીમાં ઊંચા મથાળેથી સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૪૪ ઘટી આવ્યા હતા.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં મધ્યસત્ર દરમિયાન ખાસ કરીને ૯૯૯ ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીના દબાણ સામે ઔદ્યોગિક વપરાશકારો તથા જ્વેલરી ઉત્પાદકોની માગ ખપપૂરતી રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૯૪૪ના ઘટાડા સાથે રૂ.

૯૦,૫૬૮ના મથાળે રહ્યા હતા. જોકે, સોનામાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલ, ડૉલર સામે રૂપિયામાં નરમાઈને કારણે આયાત પડતરોમાં વધારો તથા આગામી તહેવારોની અપેક્ષિત માગને ધ્યાનમાં લેતા જ્વેલરી ઉત્પાદકોની છૂટીછવાઈ લેવાલીને ટેકે ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ. ૧૬૦ વધીને ૯૯૫ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૬,૪૦૬ અને ૯૯૯ ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. ૭૬,૭૧૩ના મથાળે રહ્યા હતા.

ફેડરલ રિઝર્વ દ્વારા આગામી ૬-૭ નવેમ્બરની નીતિવિષયક બેઠકમાં વ્યાજદરમાં વધુ ૨૫ બેસિસ પૉઈન્ટનો કાપ મૂકવામાં આવે તેવો આશાવાદ, અમેરિકાની ચૂંટણીના પરિણામોની અનિશ્ર્ચિતતા અને મધ્યપૂર્વના દેશોના તણાવને ધ્યાનમાં લેતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર સોનામાં સલામતી માટેની માગને ટેકે એક તબક્કે ભાવ વધીને ઔંસદીઠ ૨૬૮૫.૬૦ ડૉલરની નવી ઊંચી સપાટી સુધી પહોંચીને પાછા ફર્યા હતા. તેમ જ આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૩ ટકા વધીને ૨૬૮૦.૧૯ ડૉલર અને વાયદામાં ભાવ ૦.૨ ટકા વધીને ૨૬૯૫.૯૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ ગઈકાલના બંધ સામે ૦.૬ ટકા વધીને ઔંસદીઠ ૩૧.૫૦ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.

હાલના તબક્કે સોનાને અમેરિકાની ચૂંટણી અને મધ્યપૂર્વના રાજકીય-ભૌગોલિક તણાવને કારણે સલામતી માટેની માગનો ટેકો મળી રહ્યો હોવાનું ઓએએનડીએનાં એશિયા પેસિફિક વિભાગના વિશ્ર્લેષક કેલ્વિન વૉન્ગે જણાવતા ઉમેર્યું હતું કે જો ટ્રમ્પ પ્રમુખપદે ચૂંટાશે તો દરિયાપારના વેપારોમાં તણાવ વધશે અને અંદાજપત્રીય ખાધમાં વધારો થાય તેમ હોવાથી સોનાની તેજીને ટેકો મળી શકે છે. જોકે, આજે રોકાણકારોની નજર અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના રિટેલ વેચાણના ડેટા અને બેરોજગારી ભથ્થું મેળવવા માટેની અરજીઓની સાપ્તાહિક આંકડાકીય જાહેરાત પર સ્થિર થઈ હોવાનું વૉન્ગે ઉમેર્યું હતું.

વધુમાં એએનઝેડના કૉમૉડિટી સ્ટ્રેટેજિસ્ટ ડેનિયલ હેઈન્સે જણાવ્યું હતું કે હાલના ઈઝરાયલ-ઈરાન વચ્ચેના તણાવને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન સોનાને સલામતી માટેની માગનો ટેકો મળતો રહે તેવી શક્યતા જણાય છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button