દસ લાખ આપો નહીંતર દીકરીના લગ્ન માતમમાં ફરી જશેઃ બાપને ધમકી આપનારો તો…

દીકરીના લગ્નની તૈયાર કરતા પરિવાર અને મા-બાપને કોઈ વાતનો હોશ ન હોય. તેવામાં પણ સમૃદ્ધ પરિવારની દીકરીના લગ્ન હોય એટલે સ્વાભાવિક રીતે લગ્ન સમારંભ પણ બહુ ઊંચા હોય અને તૈયારીઓ પણ મારધાડ થતી હોય. તેવામાં પિતાના હાથમાં ધમકીભર્યો પત્ર આવે અને ખંડણીની માગણી થાય અને દીકરીના લગ્નમાં આંધાધૂંધી ફેલાવવાની ધમકી મળે તો બાપની હાલત કેવી થાય…આ અનુભવ દિલ્હીના એક શ્રીમંત વેપારીને થયો.
26 ઓક્ટોબરના દિવસે એક અજાણ્યો વ્યક્તિ દક્ષિણ દિલ્હીમાં એક મોટા ઉદ્યોગપતિના બંગલે પહોંચ્યો અને ત્યાં સિક્યોરિટી ગાર્ડને એક પત્ર આપ્યો અને કહ્યું કે આ પત્ર તેના માલિકને પહોંચાડવામાં આવે. ગાર્ડે તરત જ તેના માલિકને પત્ર પહોંચાડ્યો. વેપારીએ પત્ર ખોલતા જ તે ચોંકી ગયો. વેપારીની દીકરીના લગ્ન 28 ઓક્ટોબરના રોજ હતા. તે પત્રમાં લગ્નનો ઉલ્લેખ પણ હતો.
વાસ્તવમાં, તે પત્ર કોઈ સામાન્ય પત્ર ન હતો, પરંતુ તે પત્રમાં વેપારીને ધમકી આપવામાં આવી હતી કે જો તે આરોપીને 10 લાખ રૂપિયા નહીં આપે તો તેની પુત્રીના લગ્ન માતમાં ફેરવાઈ જશે. આરોપીએ ધમકીભર્યા પત્રમાં તેણીને પૈસા આપવા માટે સંમત થવાના સંકેત તરીકે ઘરની બાઉન્ડ્રી વોલ પર અંગ્રેજીમાં યેસ લખવાનું કહ્યું હતું. જેનો અર્થ એ થયો કે તે પૈસા ચૂકવવા તૈયાર હતો.
શરૂઆતમાં તો વેપારી કંઈ નક્કી ન કરી શક્યો પણ પછી સંબંધીઓની સલાહ લીધી અને પોલીસને જણાવ્યું. સીઆર પાર્ક પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઓફિસરએ મામલાને ગંભીરતાથી લીધો અને એક ટીમ બનાવી. સૌથી પહેલા પોલીસે વેપારીના બંગલે જઈને તપાસ કરી. અને સુરક્ષા ગાર્ડનું નિવેદન નોંધ્યું. આ પછી એ વિસ્તારમાં લગાવવામાં આવેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજને સ્કેન કરવાનું હતું.
તેમાંથી પોલીસના હાથમાં એક કડી આવી. બાઇક અને તેનો નંબર સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. આથી પોલીસે પહેલા આરોપીની મોટરસાઈકલ ટ્રેસ કરી હતી. પોલીસે મોટરસાઇકલના રજિસ્ટ્રેશન નંબરની શોધ કરી અને પછી એક આરોપી સુધી પહોંચી. અને તેની માહિતીના આધારે પોલીસે આ સમગ્ર મામલાના 34 વર્ષીય માસ્ટર માઈન્ડની પણ ધરપકડ કરી હતી. આ રીતે થોડા કલાકોમાં જ પોલીસ ટીમને આ કેસ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ પુષ્પેન્દ્ર કુમાર અને દીપક તરીકે થઈ છે. આ બન્ને દક્ષિણ દિલ્હીના સંગમ વિહારના રહેવાસી છે.
હવે મહત્વની વાત તો એ છે કે આરોપી પુષ્પેન્દ્ર વેપારીનો જૂનો ડ્રાઈવર જ હતો. થોડા સમય પહેલા તેને કામ પરથી કોઈ કારણે કાઢી નાખવામાં આવ્યો હતો. આ વાતની દાઝ તેના મનમાં હતી અને તેણે પ્લમર મિત્રની મદદથી આ પ્લાન ઘડ્યો હતો, પણ ફેલ ગયો. હવે પોલીસ ગળની કાર્યવાહી કરી રહી છે.