ભુવનેશ્વર: પ્રખ્યાત લેખિકા અને ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના મોટા બહેન ગીતા મહેતાનું શનિવારે વૃદ્ધાવસ્થાને લગતી બિમારીઓને કારણે દિલ્હીમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તેઓ 80 વર્ષના હતા. તેમના પરિવારમાં તેમનો પુત્ર છે. તેમના પતિ અને પ્રકાશક સોની મહેતાનું અવસાન થઈ ચૂક્યું છે.
જાણીતા લેખિકા, દસ્તાવેજી ફિલ્મ નિર્માતા અને પત્રકાર ગીતા મહેતા મુખ્ય પ્રધાન નવીન પટનાયક અને ઉદ્યોગપતિ પ્રેમ પટનાયકના મોટા બહેન હતા. તેમનો જન્મ 1943માં દિલ્હીમાં બીજુ પટનાયક અને જ્ઞાન પટનાયકને ત્યાં થયો હતો. તેમણે ભારત અને બ્રિટનની કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે ગીતા મહેતા તેમના નાના ભાઈ નવીન પટનાયકની ખૂબ જ નજીક હતા.
ગીતાએ ‘કર્મ કોલા’, ‘સાપ અને સીડી’, ‘અ રિવર સૂત્ર’, ‘રાજ’ અને ‘ધ ઈટર્નલ ગણેશા’ સહિત અનેક પુસ્તકો લખ્યા હતા. તેમના પુસ્તકો 13 ભાષાઓમાં અનુવાદિત અને 27 દેશોમાં પ્રકાશિત થયા છે. 2019માં તેમને સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે ભારતના પ્રથમ સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હોવા છતાં, તેમણે રાજકીય કારણોસર આ પુરસ્કાર નકાર્યો હતો. તેમણે 14 ટેલિવિઝન દસ્તાવેજીનું નિર્માણ અને નિર્દેશન કર્યું છે. તેઓ અમેરિકન ટેલિવિઝન નેટવર્ક NBC માટે ટેલિવિઝન પત્રકાર પણ હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ઓડિશાના રાજ્યપાલ પ્રોફેસર ગણેશી લાલ, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બૈજયંત પાંડા અને કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન સહિત અનેક મહાનુભાવોએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને તેમને શ્રદ્ધાંજલિ આપી છે. તેમના નિધન પર શોક વ્યક્ત કરતા, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કર્યું હતું કે, “પ્રખ્યાત લેખિકા ગીતા મહેતાજીના નિધનથી હું દુઃખી છું.” તેઓ એક બહુમુખી પ્રતિભા હતા અને તેમની બુદ્ધિમત્તા અને ફિલ્મ નિર્માણ તેમજ લેખન માટેના જુસ્સા માટે જાણીતા હતા. તેઓ પ્રકૃતિ અને જળ સંરક્ષણ પ્રત્યે પણ ઉત્સાહી હતી. આ દુઃખની ઘડીમાં નવીન પટનાયક અને સમગ્ર પરિવાર પ્રત્યે મારી સંવેદના છે.”