વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી 13 યુવતીઓ ભાગી જતા ઉઠ્યા કેન્દ્ર પર સવાલો….
સોલન: હિમાચલ પ્રદેશના સોલન જિલ્લાના પરવાણુમાં એક વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી 13 છોકરીઓ ભાગી ગઈ હતી. આ ઘટના બાદ કેન્દ્રમાં ખળભળાટ મચી ગયો હતો. શોધખોળ બાદ તમામ યુવતીઓને બચાવીને પાછી લાવવામાં આવી હતી. જો કે કોઈ કેસ નોંધવામાં આવ્યો નથી.
સોલન જિલ્લાના પરવાણુના ખડીન ગામમાં એક નશા મુક્તિ કેન્દ્ર આવેલું છે. અહીં હાલમાં કુલ 17 છોકરીઓ સારવાર લઇ રહી છે. ત્યારે નવ ડિસેમ્બરના રાત્રે વ્યસનમુક્તિ કેન્દ્રમાંથી 13 છોકરીઓ બારીના કાચ તોડીને જંગલ અને ગામ તરફ ભાગી ગઈ હતી. જો કે વ્યસન મુક્તિ કેન્દ્રના સ્ટાફ અને પોલીસની મદદથી તમામને શોધીને સેન્ટર પર મોકલવામાં આવ્યા હતા. આ ઘટના બાદ વ્યસન મુક્તિ કેન્દ્રોની કામગીરી પર સવાલો ઉભા થયા છે. કેન્દ્રમાં મોટાભાગની છોકરીઓ પંજાબ અને હરિયાણામાંથી આવે છે. અગાઉ પંજાબમાં આવા વ્યસન મુક્તિ કેન્દ્રો ચાલતા હતા પરંતુ તેમની પર પ્રતિબંધ લાગવાને કારણે હવે લોકો વ્યસ્ન મુક્તિ માટે હરિયાણા અને હિમાચલના કેન્દ્રમાં આવી રહ્યા છે. પરંતુ જ્યારથી હિમાચલમાં આ વ્યસન મુક્તિ કેન્દ્રો ખુલ્યા છે, ત્યારથી અંદરો અંદર હુમલા અને ભાગી જવાની ઘટનાઓ વધી ગઇ છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ પરવાણુના એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં એક દર્દીનું મોત થયું હતું અને ત્યારબાદ વ્યસન મુક્તિ કેન્દ્ર બંધ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાતં થોડા મહિનાઓ પહેલા જ એક વ્યસન મુક્તિ કેન્દ્રમાં યુવકો ડ્રગ્સ લેતા હોવાનો વીડિયો પણ વાઇરલ થયો હતો તે સમયે તે કેન્દ્ર પણ બંધ કરવાની સૂચના આપવામાં આવી હતી. પરંતુ આવા વ્યસન મુક્તિ કેન્દ્ર કોઇપણ પ્રકારની રોકટોક કે કોઇપણ પ્રકારના નિતીનિયમો વગર જ ચાલી રહ્યા છે.
ત્યારે ખાસ બાબત તો એ છે કે વ્યસન મુક્તિ કેન્દ્રમાંથી યુવતીઓ ભાગી જવાના કારણે સ્થાનિક લોકો કેન્દ્રની કામગીરી પર સવાલો ઉઠાવી રહી છે. જોકે પરવાણુના આ વ્યસન મુક્તિ કેન્દ્રના દસ્તાવેજો માન્ય હતા. જો કે કોઇના પરિવારજનોએ ફરિયાદ નોંધાવી નથી પરંતુ ડીએસપીએ યુવતીઓને શોધવાની કામગીરી કરી હતી આથી તેમણે જણાવ્યું હતું કે યુવતીઓને તેમના પરિવારના સભ્યો સાથે ફોન પર વાત કરવાની મંજૂરી નથી પરંતુ યુવતીઓ કેમ ભાગી ગઇ તેની તપાલ કરવામાં આવશે.