દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વે પર મોટો અકસ્માત

UP રોડવેઝની બસ રેલિંગ તોડી ખાઈમાં પડી, 21 મુસાફરો ઘાયલ
મેરઠઃ ઉત્તર પ્રદેશમાં દિલ્હીના ગાઝિયાબાદ પોલીસ સ્ટેશન મસૂરી વિસ્તારના મેરઠ એક્સપ્રેસ વે પર રોડવેઝની બસ ડિવાઈડર તોડીને ખાઇમાં પડી ગઈ હતી. આ દુર્ઘટનામાં 21 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર જાણવા મળ્યા હતા. તમામ ઘાયલોને જિલ્લા હોસ્પિટલ સંજય નગર ગાઝિયાબાદ અને સર્વોદય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, મેરઠથી એક રોડવેઝ બસ દિલ્હી મેરઠ એક્સપ્રેસ વે પર દિલ્હી તરફ જઈ રહી હતી. બસ જેવી જ પોલીસ સ્ટેશન મસૂરી વિસ્તાર હેઠળ હવા હવાઈ રેસ્ટોરન્ટની આસપાસ પહોંચી ત્યારે ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને અનિયંત્રિત બસ ડિવાઈડર તોડીને 25 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓએ આ અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસે ઘટના સ્થળે પહોંચી બસમાં ફસાયેલા તમામ મુસાફરોને બહાર કાઢ્યા હતા. ઘાયલોને સારવાર માટે નજીકની હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને અકસ્માત અંગે ઘાયલોના પરિજનોને જાણ કરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ બસમાં 40 મુસાફરો સવાર હતા.
આ ઘટના અંગે માહિતી આપતા સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે બસ પૂર ઝડપે જઇ રહી હતી ત્યારે અચાનક બસના ડ્રાઇવરને હાર્ટ એટેક આવ્યો હતો અને તેણે બસ પરથી કાબૂ ગુમાવ્યો હતો, જેને કારણે બસ 25 ફૂટ ઊંડી ખાઈમાં પડી હતી.